03 April, 2025 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝને પટૌડી ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે
૨૦૦૭થી અંગ્રેજોની ધરતી પર રમાનારી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝને પટૌડી ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. આ નામ ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર એકમાત્ર પિતા-પુત્રની જોડી ઇફ્તિખાર અને મન્સૂર અલી ખાન પટૌડીના સન્માનમાં રાખવામાં આવ્યું હતું. પટૌડી ટ્રોફીની પાંચ સિરીઝમાંથી ભારત માત્ર ૨૦૦૭ની સિરીઝ જીત્યું હતું, જ્યારે ૨૦૨૧ની છેલ્લી સિરીઝ ડ્રૉ રહી હતી. ૨૦૧૧, ૨૦૧૪ અને ૨૦૧૮માં આ ટ્રોફી ઇંગ્લૅન્ડે જીતી હતી.
જૂન ૨૦૨૫થી આ બન્ને દેશ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ ઇંગ્લૅન્ડમાં શરૂ થાય એ પહેલાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ અનુસાર પટૌડી ટ્રોફીને નિવૃત્ત કરીને હવે આ ટ્રોફીને બન્ને દેશના મૉડર્ન સમયના ક્રિકેટર્સનું નામ આપવામાં આવી શકે છે. જોકે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ આ અહેવાલ પર કોઈ પણ કમેન્ટ કરતા બચી રહ્યું છે. ક્રિકેટજગતમાં એક સમય બાદ સિરીઝનાં નામ બદલાતાં રહે છે. ભારતમાં બન્ને દેશ વચ્ચેની
ટેસ્ટ-સિરીઝને ૧૯૫૧થી ઍન્થની ડીમેલો ટ્રોફી નામ આપવામાં આવ્યું છે જે ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ હતા.