ઇંગ્લૅન્ડની ટીમના લન્ચ-ટેબલ પર થાય છે મીટિંગ , કૉફીની ચૂસકી સાથે બને છે પ્લાન

08 February, 2024 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત સામે હૈદરાબાદ ટેસ્ટ જીત્યા બાદ વિશાખાપટ્ટનમમાં મળી હાર, તો હવે રાજકોટમાં ઇંગ્લૅન્ડની થશે આકરી કસોટી

ઇંગ્લૈંડ ક્રિકેટ ટીમ

ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટ્સમૅન જો રૂટે કહ્યું કે ‘બેન સ્ટોક્સના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની ટીમમાં હવે બેઠક કરવાને બદલે ખેલાડીઓની જરૂરિયાત પ્રમાણે ચર્ચા કરવા પર પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ અત્યારે ૧-૧ની બરાબરી પર ચાલી રહી છે. 

ખાવાના ટેબલ પર કે પછી કૉફી પીતાં પોતાની ભાવનાસારી રીતે વ્યક્ત કરીએ છીએ. ભારત સામે આ ટેસ્ટ સિરીઝમાં નિષ્ફળ રહેલા ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટ્સમૅન જો રૂટે ત્રીજી ટેસ્ટ પહેલાં જિયો સિનેમા સાથે વાત કરતાં કહ્યું કે ‘અમે હવે ટીમ મીટિંગ નથી કરતા. આ ટીમમાં થનારી સારી બાબતોમાંની એક છે કે અમે રમતથી દૂર અમારી તમામ ચર્ચાઓ કઈ રીતે કરીએ છીએ. અમે એકબીજા સાથે સમય પસાર કરતી વખતે રમતને લઈને ચર્ચા કરવાનું પસંદ કરીએ છીએ.’ ભૂતપૂર્વ સુકાનીએ કહ્યું કે ‘અમારે હવે મીટિંગ રૂમમાં બેસવાનું નથી હોતું. મને લાગે છે કે તમે ખાવાના ટેબલ પર કે પછી કૉફી પીતા સમયે પોતાની ભાવનાઓ વધુ સારી રીતે વ્યક્ત કરી શકો છો.’

પરિણામની ચિંતા કર્યા વગર અમે આજ અંદાજમાં રમવાનું ચાલુ રાખીશું : જો રૂટ
ઇંગ્લૅન્ડે પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૧૯૦ રનથી પાછળ રહેવા છતાં જીત મેળવી હતી. જોકે બીજી ટેસ્ટમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. રૂટે કહ્યું કે ‘અમારી ટીમ પરિણામની ચિંતા કર્યા વગર એ અંદાજમાં જ રમવાનું ચાલુ રાખશે, જે તેમને આવડે છે. આ કારણે અમને છેલ્લા ઘણા સમયથી સફળતા અપાવી છે. એનાથી અમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છીએ. અમે પહેલાં પણ આવી સ્થિતિ (પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં મોટા અંતરથી પાછળ રહ્યા બાદ વાપસી)માં રહ્યા છીએ અને પછી જીત્યા છીએ. આ પહેલાં અમે ઇંગ્લૅન્ડમાં ભારતનો સામનો કર્યો હતો. એ ટેસ્ટમાં પણ અમે મોટા અંતરથી પાછળ રહ્યા હતા, પણ અમે વાપસી કરી અને જીત મેળવી હતી.’

ત્રીજી અને ચોથી ટેસ્ટ ગુમાવી શકે છે કોહલી

ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ સિરીઝ હાલ ૧-૧થી સરભર છે ત્યારે ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પહેલી બે મૅચમાં અંગત કારણોસર બહાર રહ્યો હતો. હાલ મળી રહેલા સમાચાર પ્રમાણે તે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થઈ રહેલી ત્રીજી અને રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટમાંથી પણ બહાર રહી શકે છે. સિરીઝની ચોથી ટેસ્ટ ૨૩ ફેબ્રુઆરીથી રાંચીમાં શરૂ થશે. રિપોર્ટ્સ પ્રમાણે કોહલી સિરીઝની અંતિમ ટેસ્ટમાં ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે. સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મૅચ ૭ માર્ચથી ધર્મશાળામાં રમાશે. જોકે હજી સુધી વિરાટ કોહલીને લઈને ઑફિશ્યલ કારણ સામે આવ્યું નથી.

sports news sports cricket news joe root ben stokes england indian cricket team test cricket