‘લકી’ કરાચી શહેરમાં પાકિસ્તાનને ઇંગ્લૅન્ડે કચકચાવીને લગાવી લપડાક

21 December, 2022 12:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નૅશનલ સ્ટેડિયમમાં બ્રિટિશરો સામે ફરી હાર અને ઘરઆંગણે પ્રથમ વાઇટવૉશની સૌથી મોટી નાલેશી ઃ સતત ચોથી હાર પણ કરાચીમાં જ થઈ : બન્ને અવૉર્ડ હૅરી બ્રુકને

‘લકી’ કરાચી શહેરમાં પાકિસ્તાનને ઇંગ્લૅન્ડે કચકચાવીને લગાવી લપડાક

કરાચીનું નૅશનલ સ્ટેડિયમ પાકિસ્તાન માટે ખૂબ નસીબવંતું છે, કારણ કે આ સ્થળે પાકિસ્તાનની ટીમ ૪૫માંથી માત્ર ત્રણ ટેસ્ટ હારી છે, ૨૩ ટેસ્ટ જીતી છે અને ૧૯ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે. કોઈ એક મેદાન પર રમાયેલી ૨૦ કે વધુ ટેસ્ટમાં યજમાન ટીમની માત્ર ત્રણ હાર થઈ હોવાનો આ વર્લ્ડ રેકૉર્ડ છે. જોકે ઇંગ્લૅન્ડની ટીમ બાવીસ વર્ષ બાદ આ સ્થળે યજમાન ટીમને ભારે પડી છે. ૨૦૦૦ની સાલની સરખામણીમાં આ વખતે પાકિસ્તાનની ટીમની સૌથી મોટી નાલેશી થઈ છે.

પાકિસ્તાનના ક્રિકેટરો કરાચીમાં અગાઉ જે બે ટેસ્ટ હાર્યા હતા એમાંની પહેલી હાર ૨૦૦૦ની સાલમાં ઇંગ્લૅન્ડ સામે હતી અને પછી ૨૦૦૭માં સાઉથ આફ્રિકા સામેના પરાજય બાદ છેક હવે તેઓ ફરી એ જ મેદાન પર પરાજિત થયા છે. ગઈ કાલે બાબર આઝમની ટીમ બેન સ્ટોક્સ ઍન્ડ કંપની સામે સિરીઝની ત્રીજી ટેસ્ટ પણ હારી જતાં ઘરઆંગણે પાકિસ્તાને પહેલી વાર ત્રણ કે વધુ ટેસ્ટની સિરીઝમાં પોતાનો વાઇટવૉશ થતો જોયો છે અને પાકિસ્તાન માટે ઘરઆંગણાની સિરીઝમાં એ સૌથી મોટી નામોશી છે.

૬૩ વર્ષ પહેલાંનો ખરાબ રેકૉર્ડ તૂટ્યો

પાકિસ્તાન ૧૯૫૬થી ૧૯૫૯ દરમ્યાન ઘરઆંગણે ઉપરાઉપરી ત્રણ ટેસ્ટ હાર્યું ત્યાર બાદ ક્યારેય હોમ-ગ્રાઉન્ડ પર એના લાગલગાટ ત્રણ ટેસ્ટ-પરાજય નહોતા થયા. જોકે ગઈ કાલની હાર ઘરઆંગણે પાકિસ્તાનની સતત ચોથી હાર હતી અને એ નામોશી પણ ‘નસીબવંતા’ કરાચીમાં જ થઈ છે.

હૅરી બ્રુકને મળ્યા બન્ને અવૉર્ડ

પાકિસ્તાન બીજા દાવમાં ૨૧૬ રનમાં ઑલઆઉટ થઈ જતાં ઇંગ્લૅન્ડને ૧૬૭ રનનો જે લક્ષ્યાંક મળ્યો હતો એ ગઈ કાલે ચોથા દિવસે મેળવતાં પહેલાં ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડે બે વિકેટે ૧૧૨ રન બનાવ્યા હતા. ગઈ કાલે એણે વધુ એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૧૭૦ રન બનાવી લીધા હતા, જેમાં ઓપનર બેન ડકેટના અણનમ ૮૨ રન હતા. બન્ને વિકેટ સ્પિનર અબ્રાર અહમદે લીધી હતી. પ્રથમ દાવમાં ૧૧૧ રન બનાવીને ઇંગ્લૅન્ડને જીતનો પાયો નાખી આપનાર હૅરી બ્રુકને મૅન ઑફ ધ મૅચનો તેમ જ શ્રેણીમાં ત્રણ સદીની મદદથી સૌથી વધુ ૪૬૮ રન બનાવનાર હૅરી બ્રુકને મૅન ઑફ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

7
પાકિસ્તાન ટેસ્ટ વર્લ્ડ કપના રૅન્કિંગ્સમાં છેક આટલામા નંબર પર ધકેલાઈ ગયું છે એટલે હવે એની ફાઇનલમાં પહોંચવાની સંભાવના નહીંવત્ છે.

sports news sports cricket news test cricket england pakistan ben stokes