09 December, 2024 10:09 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બીજી ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડ સામે જીતની ઉજવણી કરતી ઇંગ્લૅન્ડની ટીમ.
ગઈ કાલે વેલિંગ્ટનમાં બીજી ટેસ્ટ જીતીને ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. પહેલી ઇનિંગ્સમાં ૨૮૦ રન ફટકારનાર ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ ગુમાવીને ૪૨૭ રન ખડકીને ૫૮૩ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો પણ પહેલી ઇનિંગ્સમાં ૧૨૫ રને સમેટાઈ ગયેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ બીજી ઇનિંગ્સમાં ૨૫૯ રન જ ફટકારી શકી હતી. પહેલી ઇનિંગ્સમાં ૧૨૩ અને બીજી ઇનિંગ્સમાં પંચાવન રન ફટકારનાર હૅરી બ્રુક પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. પહેલી મૅચ ૮ વિકેટે અને બીજી મૅચ ૩૨૩ રનથી જીતનાર ઇંગ્લૅન્ડની નજર હવે ૧૪ ડિસેમ્બરથી હૅમિલ્ટનમાં રમાનારી ત્રીજી ટેસ્ટ જીતવા પર રહેશે.
ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડની આ સળંગ ચોથી ટેસ્ટ-હાર છે. આ પહેલાં ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-સિરીઝમાં સતત બે હાર મળી હતી. ઇંગ્લૅન્ડે ૨૦૦૮ બાદ પહેલી વાર ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ટેસ્ટ-સિરીઝ જીતી છે. આ ૧૬ વર્ષ દરમ્યાન રમાયેલી ચાર સિરીઝમાંથી બે સિરીઝ ઇંગ્લૅન્ડ હાર્યું હતું અને અન્ય બે ડ્રૉ રહી હતી.
૩૨૩ રનની હાર ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડની સૌથી મોટા માર્જિનની ટેસ્ટ-હાર છે. આ પહેલાં ૨૦૦૧માં ન્યુ ઝીલૅન્ડે ઑકલૅન્ડમાં પાકિસ્તાન સામે ૨૯૯ રનની મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓવરઑલ ન્યુ ઝીલૅન્ડની રનની દૃષ્ટિએ ત્રીજી સૌથી મોટી હાર છે અને ઇંગ્લૅન્ડ માટે રનના આધારે ઓવરઑલ ચોથી સૌથી મોટી જીત અને ઘરની બહાર બીજી સૌથી મોટી જીત છે. ૨૦૦૩માં બંગલાદેશને તેમની જ ધરતી પર ૩૨૯ રને હરાવ્યું હતું.