ENG vs AUS: સતત પંદરમી વન-ડે જીતવામાં નિષ્ફળ રહ્યું ઑસ્ટ્રેલિયા

26 September, 2024 09:12 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

૩૪૮ દિવસ બાદ અંગ્રેજોએ રોક્યો કાંગારૂઓનો વિજયરથ : ત્રીજી વન-ડે મૅચમાં ઇંગ્લૅન્ડની DLS મેથડથી થઈ જીત : પાંચ મૅચની સિરીઝમાં હજી પણ ઑસ્ટ્રેલિયન ટીમ ૨-૧થી આગળ

ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રુકે ૧૧૦ રન બનાવ્યા હતા. તે પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો હતો.

૨૪ સપ્ટેમ્બરે ત્રીજી વન-ડેમાં DLS મેથડથી ૪૬ રને જીત મેળવીને યજમાન ટીમ ઇંગ્લૅન્ડે આ ફૉર્મેટમાં ઑસ્ટ્રેલિયન (ENG vs AUS) ટીમનું વિજય-અભિયાન રોક્યું છે. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બૅટિંગ કરતાં ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૦૪ રન બનાવ્યા હતા. વરસાદને કારણે મૅચ રોકાઈ ગઈ ત્યાં સુધીમાં ઇંગ્લૅન્ડે ૩૭.૪ ઓવરમાં ૪ વિકેટે ૨૫૪ રન બનાવી લીધા હતા. વરસાદ બંધ ન થયો ત્યારે ઇંગ્લૅન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ સતત ૧૪ વન-ડે જીતનાર ઑસ્ટ્રેલિયન ટીમનો વિજયરથ રોકાયો હતો. છેલ્લે ૩૪૮ દિવસ પહેલાં લખનઉમાં વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન ઑક્ટોબર ૨૦૨૩માં સાઉથ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયા વન-ડેમાં હાર્યું હતું.

ઑસ્ટ્રેલિયા તરફથી છઠ્ઠા નંબર પર બૅટિંગ કરવા આવેલા ઍલેક્સ કૅરીએ ૬૫ બૉલમાં અણનમ ૭૭ રન બનાવ્યા હતા. એના સિવાય સ્ટીવ સ્મિથે ૬૦ રન અને ગ્લેન મૅક્સવેલે ૩૦ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લૅન્ડે માત્ર ૧૧ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ એ પછી વિલ જેક્સ (૮૪ રન) અને કૅપ્ટન હૅરી બ્રુકે (૧૧૦ રન) કમાન સંભાળી હતી. બન્નેએ ૧૫૬ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૨૭.૩ ઓવરમાં ૩ વિકેટે ૧૬૭ રન સુધી પહોંચાડ્યો હતો. આ હારને કારણે ઑસ્ટ્રેલિયની ટીમ ૩-૦થી આ પાંચ મૅચની વન-ડે સિરીઝ પર કબજો મેળવવામાં સફળ થઈ શકી નહોતી. આગામી ૨૭ સપ્ટેમ્બરે ચોથી અને ૨૯ સપ્ટેમ્બરે પાંચમી વન-ડે મૅચ રમાશે.

પહેલી વન-ડે સેન્ચુરી ફટકારીને ઇંગ્લૅન્ડના કૅપ્ટને રચ્યો ઇતિહાસ 

ENG vs AUS: ૯૪ બૉલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૧૦ રન બનાવ્યા બાદ અણનમ રહેલા ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રુકને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. હૅરી બ્રુક પચીસ વર્ષ ૨૧૫ દિવસની ઉંમર સાથે તે વન-ડેમાં સેન્ચુરી ફટકારનાર ઇંગ્લૅન્ડનો સૌથી યુવા કૅપ્ટન પણ બન્યો છે. જાન્યુઆરી ૨૦૨૩માં વન-ડે ડેબ્યુ કરનાર આ ખેલાડીએ પોતાની અઢારમી વન-ડે મૅચમાં કરીઅરની પહેલી વન-ડે સેન્ચુરી ફટકારી છે.

england australia test cricket cricket news sports sports news