15 August, 2024 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ, અભિમન્યુ ઈશ્વરન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ ઐયર
ભારતીય ક્રિકેટ બોર્ડે દુલીપ ટ્રોફી 2024-25ના પ્રથમ રાઉન્ડ માટે ચાર ટીમોની જાહેરાત કરી છે. શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, અભિમન્યુ ઈશ્વરન અને શ્રેયસ ઐયરને ચાર અલગ-અલગ ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા છે. એમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિચન્દ્રન અશ્વિનનાં નામ ગાયબ છે. દુલીપ ટ્રોફી દ્વારા ડોમેસ્ટિક સીઝનમાં રેડ બૉલ ક્રિકેટની શરૂઆત થશે. પાંચ સપ્ટેમ્બરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં યુવાઓ અને ઊભરતી પ્રતિભાઓને ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમતા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવાની તક મળશે. ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ, રવીન્દ્ર જાડેજા, રિષભ પંત અને સૂર્યકુમાર યાદવ જેવા અન્ય ઘણા ભારતીય ખેલાડીઓ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝ માટે પસંદ કરાયેલા ખેલાડીઓને દુલીપ ટ્રોફીમાં સ્થાન આપવામાં આવશે. ફાસ્ટ બોલર મયંક યાદવ હજી સુધી ફિટ થયો નથી અને નીતીશ કુમાર રેડ્ડીની ભાગીદારી પણ ફિટનેસ પર નિર્ભર છે.