28 April, 2023 11:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અજિંક્ય રહાણે ફાઇલ તસવીર
ક્રિકેટ-લેજન્ડ અને ભારતનો સૌથી સફળ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની ૨૦૨૧ના ટી૨૦ વર્લ્ડ કપ વખતે ભારતીય ટીમનો મેન્ટર હતો અને હવે બીસીસીઆઇનો ‘કન્સલ્ટન્ટ’ બની ગયો એમ કહીએ તો પણ ખોટું નથી. એક અહેવાલ અનુસાર બીસીસીઆઇના સિલેક્ટર્સે તાજેતરમાં અજિંક્ય રહાણેને જૂન મહિનાની ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ વર્લ્ડ કપની ફાઇનલ માટેની ટીમમાં સમાવ્યો હોવાની જે જાહેરાત કરી હતી એ પહેલાં બીસીસીઆઇએ રહાણેની બાબતમાં ધોનીની સલાહ લીધી હતી. બીજી રીતે કહીએ તો ક્રિકેટ બોર્ડે ધોની પાસે રહાણે વિશે થોડી વિગતો માગી હતી. થોડા મહિના પહેલાં ભારતની ટેસ્ટ ટીમમાંથી પડતા મૂકવામાં આવેલા રહાણેને આઇપીએલની આ વખતની સીઝન માટે ચેન્નઈએ ખરીદ્યો ત્યારે ઘણાને થયું કે ધોનીના સીએસકેમાં ૩૪ વર્ષનો રહાણે કેવી રીતે ફિટ બેસશે. રહાણેએ અણનમ ૭૧ રન સહિતની કેટલીક બેમિસાલ ઇનિંગ્સ રમીને ટીકાકારોને ખોટા પાડ્યા છે.