07 August, 2024 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિનેશ કાર્તિક
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લાંબા સમય સુધી રમનાર વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે જૂન મહિનામાં ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી હતી. થોડા જ સમયમાં તેને રૉયલ્સ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો મેન્ટર જાહેર કરવામાં આવ્યો હતો. IPL ૨૦૨૫થી તે આ ટીમના ખેલાડીઓને ગાઇડ કરતો જોવા મળશે. T20 વર્લ્ડ કપમાં તે કૉમેન્ટેટર તરીકે કૉમેન્ટરી બૉક્સથી ફૅન્સનું મનોરંજન કરતો જોવા મળ્યો હતો. હાલમાં જ તેને સાઉથ આફ્રિકા T20 લીગ (SA20)નો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યો હતો. ૩૯ વર્ષના આ મેન્ટર, કૉમેન્ટેટર, બ્રૅન્ડ-ઍમ્બૅસૅડરે એના બીજા જ દિવસે વધુ એક ભૂમિકાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. તેણે ગઈ કાલે SA20ની પાર્લ રૉયલ્સ ટીમ માટે ૨૦૨૫ની નવમી જાન્યુઆરીથી શરૂ થતી ત્રીજી સીઝનમાં રમવાની જાહેરાત કરી છે. તે SA20માં રમનાર પહેલો ભારતીય ખેલાડી પણ બની જશે. આમ સાઉથ આફ્રિકામાં ૨૦૨૫ની શરૂઆતમાં જ દિનેશ કાર્તિક ખેલાડી અને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડરના ડબલ રોલમાં જોવા મળશે.