05 February, 2023 10:55 AM IST | Mumbai | Adhirajsinh Jadeja
ફાઇલ તસવીર
ભારતના તમામ ક્રિકેટચાહકોના મોઢા પર આજે શુભમન ગિલનું નામ સાંભળવા મળે છે. તે કરોડો ક્રિકેટ-ફૅન્સના દિલોદિમાગ પર છવાઈ ગયો છે અને હાલમાં ટૉક ઑફ ધ ટાઉન’ છે. વિશ્વ ક્રિકેટમાં પણ ગિલ હવે એક એવો બૅટર બની ગયો છે કે તેને આઉટ કરવા માટે તમામ ટીમ પોતાની રણનીતિ અપનાવવા માંડી છે.
છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાને ચિંતા હતી કે ટીમનાં ત્રણેય ફૉર્મેટમાં રમી શકે એવો ઓપનિંગ બૅટર કોણ હશે? એનો જવાબ ન્યુ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણાની સિરીઝે આપી દીધો છે. ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે અને ટી૨૦ સિરીઝમાં તેણે જે રીતે પર્ફોર્મ કર્યું એ જોતાં લાગી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાને અપેક્ષા મુજબનો ઓપનિંગ બૅટ્સમૅન મળી ગયો છે. ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી વન-ડેમાં સૌથી ઝડપી (૧૪૭ બૉલમાં) અને સૌથી યુવા ખેલાડી તરીકે ડબલ સેન્ચુરી ફટકારી, તો ત્રીજી વન-ડેમાં માત્ર ૭૨ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. બીજી તરફ ટી૨૦ સિરીઝની ત્રીજી મૅચમાં શુભમન ગિલે ૫૪ બૉલમાં તોફાની સદી પૂરી કરી હતી અને ટીમને મોટી જીત અપાવી હતી. સચિન-સેહવાગ-ગાંગુલી બાદ ટીમ ઇન્ડિયા માટે કાયમી ધોરણે ઓપનિંગ બૅટર મળવાનું મુશ્કેલ હતું. ત્યાર બાદ રોહિત શર્માએ આ સમસ્યા ઘણા અંશે પૂરી કરી હતી, પરંતુ ઈજાને કારણે તે ઘણી વાર ટીમની બહાર હોવાથી ટીમ ઇન્ડિયા માટે ફરી સારા ઓપનિંગ બૅટરની સમસ્યા સર્જાઈ હતી.
૪૦ મૅચમાં ૨૨૦૦ રન
શુભમન ગિલની કારકિર્દીની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ૨૧ વન-ડે મૅચમાં પાંચ અડધી સદી અને ૪ સદીની મદદથી તથા ૭૩.૭૬ની ઍવરેજથી ૧૨૫૪ રન બનાવ્યા છે. ૬ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મૅચમાં ૧ સદીની મદદથી ૪.૪૦ની ઍવરેજ સાથે તેણે ૨૦૨ રન કર્યા છે. ૧૩ ટેસ્ટમાં તેણે એક સદીની મદદથી ૭૩૬ રન બનાવ્યા છે. તેણે ટીમ ઇન્ડિયા વતી કુલ ૪૦ મૅચમાં ૬ સેન્ચુરી સાથે ૨૨૦૦ જેટલા રન બનાવ્યા છે.
આરંભ પછી ત્રણ વર્ષ મોકો નહીં
મહત્ત્વનું એ છે કે શુભમન ગિલે જાન્યુઆરી ૨૦૧૯માં જ ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડે કારકિર્દીની શરૂઆત કરી હતી, પણ એ સિરીઝમાં કોઈ ખાસ પ્રદર્શન ન કરતાં તેણે ૩ વર્ષ સુધી ટીમ ઇન્ડિયાથી દૂર રહેવું પડ્યું હતું, પણ ત્યાર બાદ તેને ફરી ૨૦૨૨ના જુલાઈમાં તક આપવામાં આવી અને ત્યારથી તેણે પાછું વળીને જોયું નથી. ટી૨૦ કૅપ્ટન હાર્દિક પંડ્યાએ આ અઠવાડિયે જ કહ્યું કે ત્રણેય ફૉર્મેટમાં બહેતરીન બૅટિંગ કરવાની કાબેલિયત ગિલમાં છે.
રોહિતનો જોડીદાર : કિશનનો પણ પાર્ટનર?
વન-ડેમાં શુભમન ગિલ સાથે સુકાની રોહિત શર્મા ઓપનિંગ જોડીમાં મેદાન પર ઊતર્યો હતો અને ભારતને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ ટી૨૦ ક્રિકેટમાં જો શુભમન ગિલને ઓપનિંગ બૅટર તરીકે ઉતારવામાં આવે તો તેનો સાથીદાર કોણ બને એ મોટો પ્રશ્ન છે, કારણ કે ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝમાં ઈશાન કિશન તેનો ઓપનિંગ પાર્ટનર હતો, જે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. ત્યારે આવનારા સમયમાં ભારતીય પસંદગીકારો શું ઈશાન કિશન પર ફરી ભરોસો મૂકશે કે નહીં એ તો સમય જ બતાવશે. જોકે ગિલ પર તો વિશ્વાસ મૂકશે જ. હાલમાં ટીમ ઇન્ડિયા માટેનો વન-ડે ટીમ માટેના ઓપનિંગનો પ્રશ્ન દૂર થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. મહત્ત્વનું એ છે કે ચાલુ વર્ષે વન-ડે વર્લ્ડ કપ પણ ઘરઆંગણે છે ત્યારે ભારત માટે આ સારા સમાચાર કહી શકાય.