News In Short: ડિવાઇન સદી ચૂકી, પણ ગુજરાતને હરાવ્યું

19 March, 2023 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં બૅટિંગ કરતાં લૉરા વૉલ્વાર્ટે ૪૨ બૉલમાં ફટકારેલા ૬૮ રનને કારણે ચાર વિકેટે ૧૮૮ રન કર્યા હતા

સોફી ડિવાઇન

વિમેન્સ પ્રીમિયર લીગની પ્લેઑફમાં પ્રવેશવા માટેની આશાને ટકાવી રાખવા માટે જરૂરી એવી મૅચમાં બૅન્ગલોરે ગુજરાતને ૮ વિકેટે હરાવ્યું હતું, જેમાં બૅન્ગલોરની ખેલાડી સોફી ડિવાઇને ૩૬ બૉલમાં ૯૯ રન કર્યા હતા. એ ઉપરાંત કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ પણ ૩૭ રન કર્યા હતા.

પહેલાં બૅટિંગ કરતાં લૉરા વૉલ્વાર્ટે ૪૨ બૉલમાં ફટકારેલા ૬૮ રનને કારણે ચાર વિકેટે ૧૮૮ રન કર્યા હતા. આ ઉપરાંત હર્લીન દેઓલે (નૉટ આઉટ ૧૨) અને ડી. હેમલતાએ (નૉટઆઉટ ૧૬) રન કર્યા હતા. ગુરુવારે રમાયેલી મૅચમાં શાનદાર પ્રદર્શન કરનાર ઍશ ગાર્ડનરે પણ આક્રમક ૪૧ રન કર્યા હતા. લૉરા ગુરુવારે ઈજાગ્રસ્ત થયેલી બૅથ મૂનીને બદલે રમવા આવી હતી અને તેણે એ મૅચમાં પણ શાનદાર રમત દેખાડી હતી.

વૅક્સિન ન લેનાર જૉકોવિચને અમેરિકામાં નો એન્ટ્રી

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ વૅક્સિન ન લેવાને કારણે અમેરિકાના ફ્લૉરિડાના મિયામી ઓપનમાં નહીં રમી શકે, કારણ કે તેને અમેરિકામાં પ્રવેશ નહીં મળે. મિયામી ઓપન ૨૨ માર્ચથી શરૂ થઈને બીજી એપ્રિલના રોજ પૂર્ણ થશે. મિયામી ઓપન ટુર્નામેન્ટના ડિરેક્ટર જેમ્સ બ્લૅકે કહ્યું હતું કે ‘અમે બનતું બધું કર્યું; સરકાર સાથે વાત કરી, પરંતુ તે આ ટુર્નામેન્ટમાં નહીં રમી શકે.’ મે મહિના સુધી વૅક્સિન ન લીધી હોય એવા પ્રવાસીઓને અમેરિકામાં આવવાની મંજૂરી નથી. સબિર્યાના ખેલાડીએ અમેરિકાને ગયા મહિને તેને સ્પેશ્યલ મંજૂરી આપવા માટે વિનંતી કરી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ ટેનિસ અસોસિએશને પણ ટેનિસના આ ખેલાડી માટે સ્પેશ્યલ છૂટ આપવા માટે કહ્યું હતું.

ઑલ ઇંગ્લૅન્ડ સેમીમાં હારી ​ત્રિશા-ગાયત્રી

ભારતીય બૅડ્મિન્ટન ખેલાડી ગાયત્રી ગોપીચંદ અને ​ત્રિશા જૉલી ગઈ કાલે ઑલ ઇંગ્લૅન્ડ ઓપન ચૅમ્પિયનશિપની ડબલ્સની સેમી ફાઇનલમાં હારી ગઈ હતી. બર્મિંગહૅમમાં રમાયેલી મૅચમાં ભારતીય જોડીને સાઉથ કોરિયાની હા ના બેક અને સો હી લીની જોડીએ ૧૦-૨૧, ૧૦-૨૧થી હરાવી હતી. ગયા વર્ષે પણ આ જોડી સેમી ફાઇનલમાં પહોંચીને હારી ગઈ હતી. 

ત્રણ ભારતીય બૉક્સરો વિમેન્સ ક્વૉર્ટર ફાઇનલમાં

નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ચાલી રહેલા વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં ત્રણ ભારતીય મહિલા બૉક્સરો પ્રવેશી છે. ૫૪ કિલોની કૅટેગરીમાં ભારતની પ્રીતિએ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર લૅક્રામિયોરા પેરિજોકને ૪-૩થી હરાવી હતી. હરિયાણાની આ બૉક્સરે શરૂઆત જ આક્રમક રમતથી કરી હતી તેમ જ પહેલા રાઉન્ડમાં જ પોતાની ​હરીફને આશ્ચર્યચકિત કરી હતી. આ ઉપરાંત નીતુ ઘાંઘસ અને મંજુ બૉમ્બોરિયા પણ આ સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે.

બૅન્ગલોરની ટીમમાં જોડાયો માઇકલ બ્રેસવેલ

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) આઇપીએલ ૨૦૨૩ માટે ઇંગ્લૅન્ડના બૅટર વિલ જૅક્સના સ્થાને ન્યુ ઝીલૅન્ડના માઇકલ બ્રેસવેલને સાઇન કર્યો છે. જૅક્સને બૅન્ગલોરે હરાજીમાં ૩.૨ કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો, પરંતુ મીરપુરમાં બંગલાદેશ સામેની ઇંગ્લૅન્ડની બીજી વન-ડેમાં ફીલ્ડિંગ દરમ્યાન તેના સ્નાયુમાં ઈજા થઈ હતી. સ્કૅન કરાવ્યા બાદ તેણે આઇપીએલમાંથી નામ પાછું ખેંચવાની ફરજ પડી છે. તેના સ્થાને આવેલો બ્રેસવેલ ન્યુ ઝીલૅન્ડ માટે ૧૬ ટી૨૦ ઇન્ટરનૅશનલ રમ્યો છે, જેમાં તેણે ૧૧૩ રન અને ૨૧ વિકેટ ઝડપી છે. ૩૨ વર્ષનો બ્રેસવેલ અગાઉ ક્યારેય આઇપીએલમાં રમ્યો નથી. તે તેની ૧ કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસથી બૅન્ગલોર સાથે જોડાશે. બૅન્ગલોર પોતાની પહેલી મૅચ બીજી એપ્રિલે મુંબઈ સામે રમશે, જે ૨૦૧૯ બાદ હોમગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેમની પહેલી મૅચ હશે. 

sports news cricket news womens premier league gujarat titans