02 April, 2023 11:50 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
શુક્રવારે રમાયેલી મૅચ દરમ્યાન ઋતુરાજ ગાયકવાડ.
ચેન્નઈની ટીમના ઋતુરાજ ગાયકવાડે આક્રમક ૯૨ રન બનાવ્યા હતા, જેને કારણે ટીમે ૭ વિકેટે ૧૭૮ રન કર્યા હતા, પરંતુ ગુજરાતે શુભમન ગિલના આક્રમક ૬૩ રનના કારણે પાંચ વિકેટથી આ મૅચ જીતી હતી. ધોનીની ટીમ ભલે મૅચ હારી હોય, પરંતુ ૫૦ બૉલમાં ચાર ફોર અને નવ સિક્સરની મદદથી ૯૨ રન કરનાર ઋતુરાજ ગાયકવાડની ગુજરાતના કૅપ્ટન હાર્દિક પંડ્યા, ધોની અને કુંબલે સહિત તમામે પ્રશંસા કરી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર દર્શકો ધોનીની ઇનિંગ્સ જોવા ઉત્સુક હતા, પરંતુ ઋતુરાજ અને ગિલે તમામને પ્રભાવિત કર્યા હતા.
મૅચ પૂરી થયા બાદ હાર્દિક કહ્યું હતું કે ‘ગાયકવાડ ગજબના શૉટ રમ્યો હતો. બોલિંગ સારી હતી, પરંતુ તેની બૅટિંગને જ તમામ શ્રેય આપવું પડે. એ જરૂર આગામી દિવસોમાં ભારતીય ટીમ માટે ગજબની રમત દેખાડશે.’ ૨૬ વર્ષનો ગાયકવાડ અત્યાર સુધી નવ ઇન્ટરનૅશનલ ટી૨૦ રમ્યો છે. ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અનિલ કુંબલેએ કહ્યું હતું કે ‘એક જ ઇનિંગ્સમાં નવ સિક્સર ફટકારવા ખરેખર બહુ જ મહત્ત્વના છે. વળી સિક્સર ફટકારવા માટે તેણે બહુ જોર કર્યું હોય એવું પણ જણાતું નથી, માત્ર સારું ટાઇમિંગ હતું.’ ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે કહ્યું હતું કે અન્ય બૅટર્સની સરખામણીમાં ઋતુરાજ અલગ હતો. તેના અભિગમની ચોક્કસ પ્રશંસા થવી જોઈએ.’ ગઈ કાલની તેમની ઇનિંગ્સ જોઈને ઘણા ઋતુરાજ અને ગિલને ભારતીય ટીમમાં ઓપનર તરીકે રમાડવાનો વિચાર પણ કરવા લાગ્યા હતા.