21 January, 2023 10:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીના રિતિક શોકીનને જીતના અભિનંદન આપતો મુંબઈનો સરફરાઝ ખાન. પી.ટી.આઇ.
દિલ્હીના લેફ્ટ-હૅન્ડ બૅટર વૈભવ પ્રેમ રાવલ (૧૯૫ બૉલમાં ૧૧૪ રન) અને કરીઅરની બીજી જ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમનાર પેસ બોલર દિવીજ મહેરા (૩૧ રનમાં એક, ૩૦ રનમાં પાંચ)એ દિલ્હીને સૌથી વધુ ૪૧ વખત રણજી ચૅમ્પિયન બનેલા મુંબઈ સામે ગઈ કાલે ગ્રુપ ‘બી’ના મુકાબલામાં ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. હોમગ્રાઉન્ડ (અરુણ જેટલી ગ્રાઉન્ડ)માં દિલ્હીને જીતવા ફક્ત ૯૫ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. દિલ્હીને આ આઉટરાઇટ વિનના ૬ પૉઇન્ટ મળ્યા છે.
દિલ્હીએ આ પહેલાં રણજી ટ્રોફીમાં આઉટરાઇટ વિન છેક ૧૯૭૯-’૮૦ની સીઝનમાં (૪૩ વર્ષ અગાઉ) મેળવ્યો હતો. ત્યારે બિશનસિંહ બેદીના સુકાનમાં દિલ્હીએ સુનીલ ગાવસકરની કૅપ્ટન્સીમાં રમનાર મુંબઈની ટીમને રણજી ફાઇનલમાં ૨૪૦ રનથી પરાજિત કરી હતી.
આ વખતે મુંબઈ પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-થ્રીમાં હોવા છતાં અને દિલ્હી અગાઉની પાંચમાંથી એકેય મૅચ ન જીતવા બદલ છેક છઠ્ઠા ક્રમે છે એમ છતાં દિલ્હીના મેદાન પર અજિંક્ય રહાણેની ટીમ ખૂબ નબળી સાબિત થઈ હતી.
દિલ્હીએ મુંબઈને પ્રથમ દાવમાં સરફરાઝ ખાનના ૧૨૫ રન છતાં ૨૯૩ રનમાં આઉટ કર્યું હતું અને પછી ૩૬૯ રન બનાવીને ૭૬ રનની લીડ લીધી હતી. મુંબઈ બીજા દાવમાં ૧૭૦ રનમાં આઉટ થઈ ગયું હતું.
આ પણ વાંચો: સરફરાઝની ત્રીજી સદીએ મુંબઈની આબરૂ સાચવી
સૌરાષ્ટ્ર હાર્યું, બરોડાની મૅચ ડ્રૉ
રાજકોટમાં આંધ્ર સામે સૌરાષ્ટ્રનો ૧૫૦ રનથી પરાજય થયો હતો. સૌરાષ્ટ્રની ટીમ ૩૪૩ રનના ટાર્ગેટ સામે ૧૯૨ રનમાં ઑલઆઉટ થઈ હતી. પુજારા ૧૪૬ બૉલમાં ૯૧ રન બનાવીને કૅચઆઉટ થતાં ૯ રન માટે સદી ચૂક્યો હતો. દેહરાદૂનમાં બરોડા અને ઉત્તરાખંડ વચ્ચેની મૅચ ડ્રૉ થઈ હતી. મૅચના અંત વખતે બરોડાનો બીજા દાવનો સ્કોર ૭ વિકેટે ૩૩૬ રન હતો. પ્રથમ દાવમાં બરોડાના ૮૬ રન સામે ઉત્તરાખંડના ૧૯૯ રન હતા.