29 January, 2023 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેવિડ વોર્નર
ઑસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ડેવિડ વૉર્નરે ટીમના ભારતના આગામી ટેસ્ટ પ્રવાસ પહેલાં લાગેલા થાકનો સ્વીકાર કર્યો હતો અને ઘરે રહીને આરામ કરવા માટે તે સોમવારે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના અવૉર્ડ સમારોહમાં પણ ભાગ લેવા નથી માગતો. વૉર્નરની સિડની થન્ડર ટીમ બિગ બૅશ લીગના એલિમિનેટરમાં હારી જતાં બહાર થઈ ગઈ હતી. તે પહેલાં ઑસ્ટ્રેલિયાની ઝિમ્બાબ્વે, ન્યુ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ સામે વાઇટ બૉલ સિરીઝ અને ત્યાર બાદ ટી૨૦ વર્લ્ડ કપમાં રમ્યો હતો. એ ઉપરાંત તેણે વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા સામેની પાંચ ટેસ્ટ અને બીબીએલની ૬ મૅચમાં ભાગ લીધો હતો.
વૉર્નરે આજીવન કૅપ્ટન્સી પર પ્રતિબંધ સામેની અરજી નિષ્ફળ જતાં ઘણો માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો. તેણે પત્રકારોને કહ્યું હતું કે ‘આ બધું બહુ પડકારજનક હતું. હું બહુ થાકી ગયો છું.’
૩૬ વર્ષના વૉર્નર પાસે મંગળવારે ભારત આવતાં પહેલાં પાંચ દિવસનો આરામનો સમય છે. તેને માટે બિગ બૅશ લીગમાં પણ મુશ્કેલીજનક સમય હતો. તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ ૨૦ બૉલમાં ૩૬ રનની હતી. ઘરઆંગણે તેણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં મેલબર્નમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી.
ચડ્યો ‘પઠાન’નો નશો
શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’નો નશો વૉર્નર પર પણ ચડ્યો છે. તેણે શાહરુખ ખાનના ચહેરા પર પોતાનો ચહેરો રિપ્લેસ કરીને વિડિયો શૅર કર્યો છે, જેને ભારતમાં લોકોએ ઘણો પસંદ કર્યો છે.