વૉર્નરની ૧૫ વર્ષની ઇન્ટરનૅશનલ ક્રિકેટ-કરીઅરનો અંત

26 June, 2024 11:59 AM IST  |  St Lucia | Gujarati Mid-day Correspondent

આ ટુર્નામેન્ટ પહેલાં તેણે જાહેરાત કરી હતી કે T20 વર્લ્ડ કપ બાદ તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થશે

અંતિમ મૅચમાં અર્શદીપ સિંહની ઓવરમાં મુંબઈકર સૂર્યકુમાર યાદવના હાથે કૅચઆઉટ થયો ડેવિડ વૉર્નર.

ઑસ્ટ્રેલિયાનો દિગ્ગજ ઓપનર ડેવિડ વૉર્નર હવે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં નહીં જોવા મળે. T20 વર્લ્ડ કપ 2024માં ઑસ્ટ્રેલિયાની સફરના અંત સાથે ડેવિડ વૉર્નરની ઇન્ટરનૅશનલ ક્રિકેટ કરીઅરનો પણ અંત થયો છે. ભારત સામે અંતિમ T20 ઇન્ટરનૅશનલ રમનાર ડેવિડ વૉર્નર  નવેમ્બર ૨૦૨૩માં અમદાવાદમાં ભારત સામે છેલ્લી વન-ડે અને જાન્યુઆરી ૨૦૨૪માં સિડનીમાં પાકિસ્તાન સામે અંતિમ ટેસ્ટ મૅચ રમ્યો હતો. આ ટુર્નામેન્ટ પહેલાં તેણે જાહેરાત કરી હતી કે T20 વર્લ્ડ કપ બાદ તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થશે.

બંગલાદેશ સામે અફઘાનિસ્તાનની જીત સાથે જ ૩૭ વર્ષના વૉર્નરની ૧૫ વર્ષની લાંબી ઇન્ટરનૅશનલ કરીઅરનો પણ અંત આવ્યો. અફઘાનિસ્તાનની જીતના કારણે ઑસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં જગ્યા બનાવી શક્યું ન હતું. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે એક ઇવેન્ટમાં તેની પ્રશંસા કરતાં કહ્યું હતું કે વૉર્નર જેવો ખેલાડી મળવો મુશ્કેલ છે જે ત્રણેય ફૉર્મેટમાં પ્રભાવ પાડી શકે. 

વૉર્નરની ઇન્ટરનૅશનલ કરીઅર 
૧૧૨ ટેસ્ટ    ૮૭૮૬ રન
૧૬૧ વન-ડે    ૬૯૩૨ રન 
૧૧૦ T20    ૩૨૭૭ રન

49
આટલી સેન્ચુરી ત્રણેય ફૉર્મેટમાં મળીને ફટકારી
98 
આટલી ફિફ્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં

australia david warner t20 world cup cricket news sports sports news