09 February, 2024 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેવિડ મિલર
આમ કરનારો ૧૨મો ક્રિકેટકર : હાલમાં સાઉથ આફ્રિકા ટી૨૦ લીગમાં પર્લ રૉયલ્સ ટીમ તરફથી રમી રહ્યો છે ડેવિડ મિલરે બુધવારે પોતાનું નામ ઇતિહાસના ચોપડે નોંધી દીધું છે. તે ટી૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂરા કરનાર સાઉથ આફ્રિકાનો પહેલો ક્રિકેટર બન્યો છે. ડેવિડ મિલરે સાઉથ આફ્રિકા ટી૨૦ ટુર્નામેન્ટમાં એલિમિનેટર મૅચમાં જોબર્ગ સુપરકિંગ્સ સામે ૪૭ રન કરીને આ સિદ્ધિ નોંધાવી હતી. ડેવિડ મિલરે એલિમિનેટર મૅચમાં ૨૮ રન પૂરા કર્યા ત્યારે સાઉથ આફ્રિકા તરફથી ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું હતું. જોકે ટી૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂરા કરવાના લિસ્ટમાં ડેવિડ મિલર ૧૨મા સ્થાને છે.
કોણ-કોણ છે?
ડેવિડ મિલરથી પહેલાં ૧૧ ખેલાડીઓ ટી૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રનનો આંકડો પાર કરી ચૂક્યા છે; જેમાં ક્રિસ ગેઇલ (૧૪,૫૬૨), શોએબ મલિક (૧૩,૦૭૭13), કીરોન પોલાર્ડ (૧૨,૫૭૭), ઍલેક્સ હેલ્સ (૧૨,૦૦૨), વિરાટ કોહલી (૧૧,૯૯૪), ડેવિડ વૉર્નર (૧૧,૮૬૦), ઍરોન ફિંચ (૧૧,૪૫૮), રોહિત શર્મા (૧૧,૧૫૬), જૉસ બટલર (૧૧,૧૪૬), કૉલિન મુનરો (૧૦,૬૦૨) અને જેમ્સ વિન્સ (૧૦,૦૧૯ રન)નાં નામ સામેલ છે.
ટી૨૦ લીગમાં મિલર
‘કિલર ધ મિલર’ના નામે લોકપ્રિય ડેવિડ મિલરે હાલમાં સાઉથ આફ્રિકા ટી૨૦ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ લીગમાં ૧૦ મૅચમાં ૩૦ની ઍવરેજથી ૧૧૮.૨ની સ્ટ્રાઇક રેટથી ૨૪૦ રન કર્યા છે. તે હાલમાં પ્રિટોરિયા કૅપિટલ્સ સામે અણનમ ૭૫ રનની આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો.