24 December, 2024 06:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભિવંડીના કાલ્હેરમાં આવેલી આકૃતિ હૉસ્પિટલમાં વિનોદ કાંબળી.
થોડા વખત પહેલાં ગુરુ રમાકાંત આચરેકરને સમર્પિત એક કાર્યક્રમમાં પોતાના બાળપણના મિત્ર અને દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકર સાથે ખૂબ જ ખરાબ હાલતમાં દેખાયેલા એક વખતના સ્ટાઇલિશ ક્રિકેટર વિનોદ કાંબળીને ભિવંડીના કાલ્હેરમાં આવેલી આકૃતિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. કાંબળીના મગજમાં ક્લૉટ થયો હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.
સ્ટાઇલિશ લેફ્ટ-હૅન્ડેડ બૅટ્સમૅન વિનોદ કાંબળી વ્યસની થઈ ગયો હતો અને હવે તેની તબિયત સારી રહેતી નથી. તે વ્યસન છોડવા રીહૅબિલિટેશન સેન્ટરમાં પણ ઘણી વખત જઈ આવ્યો છે. હવે તેની આર્થિક અને શારીરિક હાલત કથળી ગઈ છે ત્યારે આકૃતિ હૉસ્પિટલમાં તેની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે એવું એણે જણાવ્યું છે.
વિનોદ કાંબળીએ સારવાર કરી રહેલા ડૉક્ટરોનો આભાર માન્યો છે અને સાથે જ ભાવુક થઈને એક ચૅનલના પ્રતિનિધિ સામે રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ના ગીતની પંક્તિઓ ‘કલ ખેલ મેં હમ હોં ના હોં, ગર્દિશ મેં તારે રહેંગે સદા...’ ગાતાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી.
દરમ્યાન, અહમદનગરની સહ્યાદ્રિ મલ્ટિ સ્ટેટ ફાઇનૅન્સ કંપનીના ચૅરમૅન સંદીપ થોરાતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને મહિને એક લાખ રૂપિયાના પગારની જૉબ વિનોદ કાંબળીને ઑફર કરી છે. આ બાબતે તેમણે કહ્યું છે કે ‘મેં સમાચારમાં જોયું કે વિનોદ કાંબળી આર્થિક સંકડામણ અનુભવી રહ્યો છે અને તેને મદદની જરૂર છે. તે એક સારો ક્રિકેટર હતો અને ભારત માટે રમ્યો છે. તેને મદદ કરવા લોકોએ આગળ આવવું જોઈએ. મેં તેને મુંબઈમાં રહીને કામ કરવા માટે એક લાખ રૂપિયાના પગારની ઑફર કરી છે.’ સંદીપ થોરાતનું કહેવું છે કે અમારી ફાઇનૅન્સ કંપની છે અને મુંબઈમાં બ્રાન્ચ શરૂ કરવાની ઇચ્છા છે.