રાહુલ દ્રવિડે જો કોચ તરીકે જળવાઈ રહેવું હશે તો ફરી અપ્લાય કરવું પડશે

11 May, 2024 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે કહ્યું કે ટૂંક સમયમાં જ નવા હેડ કોચ માટે જાહેરાત આપવામાં આવશે અને તેનો કાર્યકાળ વર્ષ ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધીનો રહેશે

રાહુલ દ્રવિડ

ભારતીય ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં જ મેન્સ ટીમના નવા હેડ કોચ માટે જાહેરાત આપશે. ક્રિકેટ બોર્ડે ગયા વર્ષે કરેલી ભૂલનું આ વખતે પુનરાવર્તન કરવાના મૂડમાં નથી અને હાલના કોચનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં નવા કોચ વિશે નિર્ણય લઈ લેવા માગે છે. ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ સાથે હેડ કોચ રાહુલ દ્રવિડનો કૉન્ટ્રૅક્ટ સમાપ્ત થઈ ગયો હતો અને બોર્ડે ત્યાર બાદ નવા કોચ માટે જાહેરાત આપી હતી, પણ પછી સમય બહુ જ ઓછો હોવાથી રાહુલ દ્રવિડને આગામી T20 વર્લ્ડ કપ સુધી જળવાઈ રહેવા મનાવી લેવા પડ્યા હતા.

ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે આ બાબતે સ્પષ્તા કરી હતી અને કહ્યું હતું કે ‘નવા કોચની તલાશ શરૂ થઈ ગઈ છે અને એ માટેની જાહેરાત ટૂંક સમયમાં જ આપીશું. નવા કોચનો કૉન્ટ્રૅક્ટ ત્રણ વર્ષ એટલે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધીનો રહેશે. બાકીનો કોચિંગ સ્ટાફ જેવા કે બૅટિંગ, બોલિંગ, ફીલ્ડિંગ કોચ વગેરે નવા હેડ કોચની નિમણૂક બાદ તેમની સાથે ચર્ચાવિચારણા કરીને કરવામાં આવશે.’

આવતા મહિને હાલના કોચ રાહુલ દ્રવિડનો કૉન્ટ્રૅક્ટ સમાપ્ત થઈ રહ્યો છે એ વિશે જય શાહે કહ્યું હતું કે ‘જો રાહુલ દ્રવિડની હેડ કોચ તરીકે જળવાઈ રહેવાની ઇચ્છા હશે તો તેમણે પણ ફરી અપ્લાય કરવું પડશે. અમે લાંબા સમય, ત્રણ વર્ષ માટે કોચની શોધ કરી રહ્યા છીએ.’

ત્રણેય ફૉર્મેટમાં જુદા-જુદા કોચની સંભાવના વિશે જય શાહે સ્પષ્ટતા કરી હતી કે ‘આની સંભાવના ખૂબ જ ઓછી છે, કેમ કે ટીમમાં ઘણાબધા ખેલાડીઓ છે જે ત્રણેય ફૉર્મેટમાં રમી રહ્યા છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, રિષભ પંત વગેરે ત્રણેય ફૉર્મેટની ટીમમાં સામેલ છે, પણ આ બાબતે આખરી નિર્ણય ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીનો રહેશે. તેઓ જે પણ નિર્ણય લેશે અમે એનો અમલ કરીશું.’
વિદેશી કોચની સંભાવના વિશે પણ જય શાહે કહ્યું હતું કે જો ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટી કોઈ વિદેશી કોચની પસંદગી કરશે તો અમે એ બાબતે કોઈ હસ્તક્ષેપ નહીં કરીએ.

મહિલા ક્રિકેટ પર વધુ ફોકસ છે

વર્ષ દરમ્યાન વધુ ને વધુ સિરીઝ યોજીને મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપી રહ્યા હોવાનું કહીને જય શાહે કહ્યું હતું કે ‘અમે અત્યારે ૫૧ ટકા મહિલા ક્રિકેટ અને ૪૯ ટકા મેન્સ ક્રિકેટ પર ફોકસ કરી રહ્યા છીએ. મેન્સ ક્રિકેટમાં આપણો પર્ફોર્મન્સ ખૂબ જ સારો હોવાથી અમે મહિલાઓ પર વધુ ફોકસ કરી રહ્યા છીએ. મહિલાઓની મૅચ-ફી પણ વધી હોવાથી તેઓ હવે વધુ કમાઈ રહી છે.’ 
જોકે વિમેન્સ પ્રીમિયર લીગમાં વધુ ટીમ સામેલ કરવા વિશે જય શાહે કહ્યું હતું કે ‘મીડિયા અને સ્પૉન્સરશિપ રાઇટ્સ પાંચ ટીમને ધ્યાનમાં રાખીને પાંચ વર્ષ માટે આપવામાં આવ્યા હોવાથી અત્યારે વધુ ટીમ સામેલ કરીશું તો ઘણી બધી સમસ્યા સર્જાઈ શકે છે.’

ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ કાયમી નથી

IPLની આ ૨૦૨૪ની સીઝનમાં લગભગ દરેક મૅચમાં ૨૦૦ની આસપાસનો સ્કોર જોવા મળી રહ્યો છે. એકાદ-બે નહીં, પણ અત્યાર સુધી આઠ વાર ૨૫૦ પ્લસનો સ્કોર જોવા મળી ચૂક્યો છે. આ માટે ઇમ્પૅક્ટ પ્લેયર નિયમને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. ઇમ્પૅક્ટ પ્લેયરને લીધે ઑલરાઉન્ડર ખેલાડીઓનું મહત્ત્વ પણ ઘટી રહ્યું હોવાનું મોટા ભાગના દિગ્ગજ ખેલાડીઓને લાગી રહ્યું છે. ઘણા આ ઇમ્પૅક્ટ ખેલાડીના નિયમને કૅન્સલ કરી દેવાની માગણી કરી રહ્યા છે એ બાબતે જય શાહે કહ્યું હતું કે ‘ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ એક પ્રયોગ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. આ નિયમના લીધે જ મૅચમાં બે વધારાના ભારતીય ખેલાડીને રમવાનો મોકો મળી રહ્યો છે. શું એ મહત્ત્વનું નથી કે બે ભારતીય ખેલાડીને રમવાનો માકો મળે છે? આને લીધે મૅચ પણ વધુ સ્પર્ધાત્મક બની રહી છે, છતાં જો ખેલાડીઓને લાગતું હોય તે આ નિયમ યોગ્ય નથી તો અમે એ બાબતે ચર્ચા કરીશું. જોકે આ બાબતે હજી સુધી કોઈએ અમને કહ્યું નથી. IPL અને વર્લ્ડ કપ પછી અમે બધા મળીશું અને એ બાબતે ચર્ચા કરીને નિર્ણય લઈશું.’

ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ ઇંગ્લૅન્ડની બહાર?

અત્યાર સુધીની ટેસ્ટ ચૅમ્પિયનશિપની બન્ને ફાઇનલ ઇંગ્લૅન્ડમાં જ રમાઈ છે અને આગામી ૨૦૨૫ની ફાઇનલ પણ ઇંગ્લૅન્ડમાં જ રમાવાનું પ્લાનિંગ છે. જોકે ફાઇનલનું સ્થળ બદલવા વિશેની હિલચાલ બાબતે જય શાહે સંકેત આપ્યા હતા અને કહ્યું કે ‘અમે આ બાબતે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે વાત કરી છે. તેઓ બદલાવ વિશે વિચારણા કરી રહ્યા છે.’
બન્ને વખતે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી અને બન્ને વખતે, પહેલાં ન્યુ ઝીલૅન્ડ સામે અને ત્યાર બાદ ઑસ્ટ્રેલિયા સામે હાર જોવી પડી હતી. 

rahul dravid sports news sports cricket news board of control for cricket in india