કમાલ છે! ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમો વર્લ્ડ કપ નક્કી કરે!

12 November, 2023 01:34 PM IST  |  Mumbai | Ajay Motivala

૨૦૦૪માં વેસ્ટ ઇન્ડીઝ ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું અને ૨૦૦૬ની ટુર્નામેન્ટમાં એ રનર-અપ હતું, પરંતુ ૨૦૨૫માં પાકિસ્તાનમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ નહીં હોય. નવાઈ લાગીને!

ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમો વર્લ્ડ કપ નક્કી કરે

વન-ડે વર્લ્ડ કપ અને ટી૨૦ વિશ્વ કપના ભૂતપૂર્વ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપના અમેરિકા સાથે યજમાન બનવાનો મોકો મળ્યો છે, પણ પછીના વર્ષની વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમવાનો એને મોકો નથી મળવાનો, કારણ શું? કારણ એ છે કે એ આ વખતના વર્લ્ડ કપમાં નહોતું.
આઇસીસીનો નિયમ કહે છે કે ૨૦૨૩ના વર્લ્ડ કપમાં ટોચનાં ૮ સ્થાનમાં આવનાર ટીમ દોઢ વર્ષ પછીની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલિફાય થઈ શકશે અને એ આઠમા યજમાન પાકિસ્તાન તો હશે જ.
હવે મુખ્ય વાત એ છે કે દોઢ વર્ષ પછીની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કોણ રમશે એ વર્લ્ડ કપના રૅન્કિંગ્સ પરથી નક્કી થશે. વેસ્ટ ઇન્ડીઝ વન-ડે વર્લ્ડ કપમાં પહેલી વાર ક્વૉલિફાય ન થઈ શક્યું એટલે એને બે રીતે માર પડ્યો. ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ હાથ ધોઈ નાખવા પડ્યા.
આટલું ઍડ્વાન્સમાં નક્કી થશે?
હાસ્યાસ્પદ બાબત તો એ છે કે ૨૦૨૫ની ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમો એ સમયના આઇસીસી રૅન્કિંગ્સ પરથી નહીં, પણ અત્યારે ચાલી રહેલા વર્લ્ડ કપના પૉઇન્ટ્સ-ટેબલ પરથી નક્કી થશે.
દર વર્ષે આઇપીએલની ટીમો પણ આઇસીસીના કરન્ટ પ્લેયર્સ રૅન્કિંગ્સ પરથી ખેલાડીઓને પસંદ કરતી હોય છે, જ્યારે ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમો અત્યારે દોઢ વર્ષ પહેલાં જ નક્કી થઈ જશે.
રૅન્કિંગ્સ કઈ રીતે નક્કી થાય?
આઇસીસી ટીમ રૅન્કિંગ્સ કેટલાંક પરિબળો પરથી નક્કી થતાં હોય છે. મૅચનાં રિઝલ્ટ, સિરીઝનાં પરિણામ, હરીફ ટીમની તાકાત, ફૉર્મેટનું વજન અને માહાત્મ્ય, કેટલી ટોટલ મૅચ રમાઈ વગેરેના આધારે આઇસીસીના ક્રમાંક નક્કી થાય છે. મૅચ જીતવામાં આવે તો રૅન્કિંગ્સના પૉઇન્ટ પર પૉઝિટિવ અસર પડે અને પરાજયની નેગેટિવ ઇફેક્ટ થાય. ટૂંકમાં કહીએ તો, રૅન્કિંગ્સ એટલે જે-તે ટીમનો કરન્ટ પર્ફોર્મન્સ. આવું જ છે તો પછી ચૅમ્પિયન્સ ટ્રોફી માટે કેમ અત્યારથી ટીમ નક્કી થઈ રહી છે? આ જ ટીમનો દેખાવ આવતા દોઢ વર્ષમાં બગડશે તો? અને વેસ્ટ ઇન્ડીઝનો કે ક્વૉલિફાય ન થનારી ટીમનો પર્ફોર્મન્સ સુધરેલો હશે તો?
બીજું, અત્યારે આઇસીસીના ઓડીઆઇ રૅન્કિંગ્સમાં જે ટીમ ટૉપ પર છે એ જ ટીમ વર્તમાન વર્લ્ડ કપના ટૉપ રૅન્કિંગ્સમાં નથી.
એશિયા કપનું રીરન થશે?
૨૦૨૫ની ચૅમ્પિયન્સ ટ્રોફીની વાત નીકળી જ છે તો ખાસ કહેવાનું કે ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની છે તો શું ત્યારે પણ આ વખતના એશિયા કપ જેવી હાલત નહીં થાય? એશિયા કપનું મુખ્ય યજમાન પાકિસ્તાન હતું, પરંતુ ભારતે ટીમને ત્યાં મોકલવાની ચોખ્ખી ના પાડી એટલે મુખ્ય યજમાનપદ પાકિસ્તાન હોવા છતાં મોટા ભાગની મૅચો શ્રીલંકામાં રમાઈ. તો શું ૨૦૨૫માં પરિસ્થિતિ બદલાઈ જશે? ટીમ ઇન્ડિયા હા પાડી દેવાની છે? કદાપિ નહીં. એવું થશે તો પછી ૨૦૨૫માં પણ પાકિસ્તાનને બદલે યુએઈ કે શ્રીલંકા કે અન્ય કોઈ દેશમાં જ મોટા ભાગની મૅચો રમાશે.

sports news cricket news world cup