01 March, 2025 07:03 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent
રાવલપિંડીમાં ભારે વરસાદને કારણે ગઈ કાલે પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચેની મૅચ એક પણ બૉલ રમાયા વગર રદ થઈ ગઈ હતી.
ગઈ કાલે રાવલપિંડીમાં ભારે વરસાદને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ Aની પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચેની મૅચ એક પણ બૉલ રમાયા વગર રદ થઈ ગઈ હતી. પરિણામે બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યા હતા જેનાથી આ ટુર્નામેન્ટમાં તેમનું ખાતું ખૂલ્યું હતું. આ બન્ને ટીમો તેમના ગ્રુપની ભારત અને ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ હારી ચૂકી હતી.
પાકિસ્તાન માટે શરમજનક વાત એ છે કે પૉઇન્ટ્સ-ટેબલમાં એનું સ્થાન છેલ્લું રહ્યું છે, કારણ કે એનો નેટ રન-રેટ (NRR) -૧.૦૮૭ જે બંગલાદેશ કરતાં પણ ખરાબ છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન હતું એટલું જ નહીં, યજમાન પણ છે એટલે સુધ્ધાં એની આ પરિસ્થિતિ અત્યંત શરમજનક છે. ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં આ પહેલાં ડિફેન્ડિંગ ચૅમ્પિયનની આટલી ખરાબ દશા આ પહેલાં ક્યારેય નથી થઈ. ૨૦૧૩માં ઑસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચૅમ્પિયન હતું અને એ વખતે ટુર્નામેન્ટમાં એણે -૦.૬૮૦ NRR સાથે એક પૉઇન્ટ મેળવ્યો હતો. પાકિસ્તાને આ વખતે ઑસ્ટ્રેલિયાના એ પર્ફોર્મન્સ કરતાંય ખરાબ પ્રદર્શન કર્યું છે.