11 November, 2024 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન્સ ટ્રોફી
ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન પાકિસ્તાનમાં આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફીનો વિવાદ વધુ વકરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષાનાં કારણસર ભારત સરકારે ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. બોર્ડના આ નિર્ણયને કારણે ICCને આજે ૧૧ નવેમ્બરે લાહોરમાં આયોજિત એક ઇવેન્ટ રદ કરવી પડી છે. અહેવાલ અનુસાર આ ઇવેન્ટમાં ચૅમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યુલ જાહેર થવાનું હતું, પણ ભારતીય ટીમની હાઇબ્રિડ મૉડલની માગણીને કારણે આ ઇવેન્ટ રદ કરવી પડી છે.
એક અધિકારીએ આ અહેવાલથી વિપરીત એવો પણ દાવો કર્યો કે ‘આ ઇવેન્ટ માત્ર ટ્રોફી ટૂર ફ્લૅગ ઑફ અને ટુર્નામેન્ટ લૉન્ચની ઇવેન્ટ હતી જે લાહોરમાં ખતરનાક ધુમ્મસ હોવાને કારણે રદ કરવી પડી છે.’
બીજી તરફ એશિયા કપ બાદ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ હાઇબ્રિડ મૉડલની ભારતની માગણીથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નારાજ થયું છે. જો પાકિસ્તાન બોર્ડ આ મામલે સંમત થશે તો ભારતની મૅચ UAE અથવા શ્રીલંકામાં યોજાઈ શકે છે, પરંતુ પાકિસ્તાની મીડિયા અનુસાર પાકિસ્તાન બોર્ડ ચૅમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મૉડલના વિરોધમાં છે અને આ મામલે તે ભારતીય બોર્ડ વિરુદ્ધ ઇન્ટરનૅશનલ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું થશે તો બન્ને દેશના ક્રિકેટ બોર્ડનો આ વિવાદ કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ્સમાં જશે. આ સિવાય પાકિસ્તાન પોતે આખી ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવા તૈયાર છે અને એના બદલામાં આર્થિક નુકસાન સહન કરવા પણ તૈયાર છે.