19 January, 2025 06:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હરભજન સિંહ (ફાઇલ તસવીર)
આગામી સમયમાં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે, વિરાટ કોહલીએ પણ પોતાનું સ્થાન સુરક્ષિત રાખ્યું છે. જસપ્રીત બુમરાહ ટીમમાં સામેલ છે પરંતુ તેનું રમવું હજુ પણ શંકાસ્પદ છે. પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે એક ખેલાડીને ટીમમાં સામેલ ન કરતાં આક્રોશ વ્યક્ત કર્યો છે. કરુણ નાયરની પસંદગી ન થવા પર સિંહે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ફાઇનલ મૅચ પહેલા, નાયરે વિજય હજારે ટ્રૉફીમાં માત્ર 7 ઇનિંગ્સમાં 752 રન બનાવ્યા હતા. જોકે, ફાઇનલમાં તે ફક્ત 27 રન જ બનાવી શક્યો.
હરભજન સિંહે સોશિયલ મીડિયા દ્વારા ટીમ પસંદગી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને લખ્યું, "જો તમે ફોર્મ અને પ્રદર્શનના આધારે ટીમની પસંદગી નહીં કરો તો પછી ઘરેલુ ક્રિકેટનો શું અર્થ?" તમને જણાવી દઈએ કે કરુણ નાયર થોડા સમય પહેલા વિદર્ભ ટીમમાં જોડાયો હતો અને અહીં આવતાની સાથે જ તેના બેટ પરથી રનનો વરસાદ શરૂ થઈ ગયો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન નાયરે 8 ઇનિંગ્સમાં 779 રન બનાવ્યા, જેમાં 5 સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. આ પ્રભાવશાળી પ્રદર્શન છતાં, મેનેજમેન્ટે મિડલ ઑર્ડરમાં શ્રેયસ ઐયર, કેએલ રાહુલ અને રિષભ પંત સાથે જવાનું નક્કી કર્યું.
અજિત અગરકરે કરુણ નાયર પર વાત કરી
શનિવારે જ્યારે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ત્યારે ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કરુણ નાયરના પ્રદર્શનની પ્રશંસા કરી, પરંતુ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ટીમમાં દરેક ખેલાડીને સ્થાન આપવું ખૂબ મુશ્કેલ છે. તેમણે કહ્યું, "મારા મતે, કરુણ નાયરે ખરેખર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેમણે આ પ્રકારનું પ્રદર્શન કર્યા પછી મેં તેમની સાથે વાત કરી હતી, પરંતુ તેમના માટે વર્તમાન ટીમમાં સ્થાન મેળવવું ખૂબ મુશ્કેલ છે."
સંજુ સેમસન પણ થયો ગુસ્સે
ભારતીય ક્રિકેટ ટીમમાં સંજુ સેમસનનું નામ નથી. આ પછી ફરી એકવાર સંજુના ચાહકોએ ટીમ મેનેજમેન્ટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તાજેતરમાં વિજય હજારે ટ્રોફી માટે કેરળની ટીમમાં પણ સંજુની પસંદગી કરવામાં આવી ન હતી. આ અંગે ભારે હોબાળો મચી ગયો છે. હવે KCAના પ્રમુખ જયેશ જ્યોર્જે આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ સિલેક્શન બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજુ વિજય હજારે ટ્રોફીમાં ન હોવાના કારણે તેની અવગણના કરવામાં આવી છે. હવે જ્યોર્જે જણાવ્યું છે કે શા માટે સંજુને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો.