12 November, 2024 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ લીધી હતી છતાં ભારત હારી ગયું હતું
ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બૅટ્સમૅન દિનેશ કાર્તિકે ભારતીય ટીમના સિલેક્ટર્સને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી માટે લખ્યું હતું કે ‘જો ભારતીય ટીમ દ્વારા ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે વરુણ ચક્રવર્તીને પસંદ નહીં કરવામાં આવે તો એ એક મોટી ભૂલ હશે. તે એક શાનદાર બોલર તરીકે ઊભરી આવ્યો છે અને તેના પ્રદર્શનની અવગણના કરવી યોગ્ય નથી.’
૧૦ નવેમ્બરે સાઉથ આફ્રિકા સામેની બીજી T20 મૅચમાં ચાર ઓવરમાં ૧૭ રન આપનાર આ સ્પિનરે પાંચ વિકેટ લઈને ધમાલ મચાવી હતી. જુલાઈ ૨૦૨૧માં શ્રીલંકા સામે T20 ઇન્ટરનૅશનલમાં ડેબ્યુ કરનાર વરુણનું ઇન્ટરનૅશનલ કરીઅરનું આ બેસ્ટ પ્રદર્શન હતું. ભારતીય ટીમ માટે પહેલી ફાઇફર લેનાર વરુણે ૨૦૨૧માં ૬ મૅચમાં માત્ર બે વિકેટ ઝડપી હતી. ઑલમોસ્ટ ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી કરતાં તેણે ૨૦૨૪માં પાંચ મૅચમાં ૧૩ વિકેટ ઝડપી છે. IPL 2024માં બીજો હાઇએસ્ટ વિકેટટેકર વરુણ ચક્રવર્તી (૨૧ વિકેટ) ને કોલકાતા નાઇટ રાઇડર્સે આગામી સીઝન માટે ૧૨ કરોડમાં રીટેન કર્યો છે.