11 March, 2025 01:19 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન્સ ટ્રોફીની ટ્રોફી સાથે અનોખું ફોટોશૂટ કરાવ્યું વરુણ ચક્રવર્તીએ.
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિને ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ના પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ વિશે મોટી કમેન્ટ કરી છે. ભારતીય મૂળનો કિવી ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર ૨૬૩ રન અને ત્રણ વિકેટ સાથે આ અવૉર્ડ જીત્યો છે, પણ અશ્વિન ભારતના મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તી (નવ વિકેટ)ને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ માને છે.
અશ્વિન પોતાની યુટ્યુબ ચૅનલ પર કહે છે, ‘જો તમે ઍડ્મિનિસ્ટ્રેટર્સ અને અન્ય લોકોને દૂર કરો છો તો રોહિત શર્મા અને તેના સાથી પ્લેયર્સે શું કર્યું? તેમણે પોતાના જીવનની શ્રેષ્ઠ રમત રમી. વરુણ ચક્રવર્તી પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ હોવો જોઈતો હતો. ટુર્નામેન્ટનો બેસ્ટ પ્લેયર કોણ છે? સ્પર્ધામાં પ્રભાવ પાડનાર વ્યક્તિ. જ્યારે પણ તે બોલિંગ કરતો ત્યારે વિરોધી બૅટ્સમેન કંઈ પણ સમજ્યા વિના તેના હાથને ખૂબ જ નજીકથી જોતા. ભારતે તેને પહેલી બે મૅચમાં બહાર રાખ્યો; તેને છુપાવી દીધો, કારણ કે તે એક્સ-ફૅક્ટર છે. ટુર્નામેન્ટમાં બે પ્લેયર્સે પ્રભાવ પાડ્યો, એક શ્રેયસ ઐયર અને બીજો વરુણ. આ બેમાંથી કોનો વધુ પ્રભાવ હતો? વરુણનો.’