આ ક્રિકેટરે એક જ ઇનિંગ્સમાં ફટકાર્યા અભૂતપૂર્વ ૪૦૦ રન

10 November, 2024 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે ૫૦૦ના મૅજિક ફિગરને આંબી શકશે હરિયાણાનો યશવર્ધન દલાલ?

યશવર્ધન દલાલ

ભારતમાં ૧૯૭૩-’૭૪થી રમાતી અન્ડર-23 ટુર્નામેન્ટ સી. કે. નાયડુ ટ્રોફીમાં ગઈ કાલે એક ઐતિહાસિક ઘટના ઘટી હતી. ગઈ કાલે હરિયાણા અને મુંબઈ વચ્ચે ચાલી રહેલી મૅચના બીજા દિવસે હરિયાણાના ઓપનર યશવર્ધન દલાલે ૪૬૩ બૉલમાં ૪૨૬ રન બનાવીને ઇતિહાસ રચ્યો છે. તે આ ટુર્નામેન્ટમાં પહેલી વાર ૪૦૦ પ્લસ રનની ઇનિંગ્સ રમવાની સાથે હાઇએસ્ટ સ્કોર ફટકારનાર બૅટર પણ બન્યો છે.

ફેબ્રુઆરી ૨૦૨૪માં સમીર રિઝવીએ ઉત્તર પ્રદેશ તરફથી રમતાં સૌરાષ્ટ્ર સામે માત્ર ૨૬૬ બૉલમાં ૩૧૨ રન બનાવ્યા હતા. આ ટુર્નામેન્ટની પહેલી ટ્રિપલ સેન્ચુરી ફટકારીને તેણે હાઇએસ્ટ સ્કોર પણ નોંધાવ્યો હતો, પણ ૯ મહિનામાં જ તેનો આ રેકૉર્ડ હરિયાણાના યશવર્ધને તોડ્યો છે. ૪૬ ચોગ્ગા અને ૧૨ છગ્ગાની મદદથી આ ઐતિહાસિક ઇનિંગ્સ રમનાર યશવર્ધન દલાલ હજી નૉટઆઉટ છે. બીજા દિવસના અંતે હરિયાણાનો સ્કોર ૧૭૬ ઓવરમાં ૭૩૨/૮ હતો. આજે ગુરુગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ પર તેની પાસે ૫૦૦ રનની ઇનિંગ્સ પૂરી કરીને આખા ક્રિકેટજગતમાં છવાઈ જવાની તક રહેશે. 

sports news sports cricket news indian cricket team haryana