08 January, 2025 08:33 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
૧૯૮૩ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના મીડિયમ ફાસ્ટ બોલર બલવિન્દર સંધુ , જસપ્રીત બુમરાહ
બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ૩૨ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. તેણે આખી સિરીઝમાં ૧૫૧.૨ ઓવર ફેંકી હતી, જેમાં તેણે મેલબર્નમાં પોતાની એક મૅચમાં સૌથી વધુ ૫૩.૨ ઓવર બોલિંગ કરી હતી. આ સિરીઝમાં ફાઇટરની જેમ કાંગારૂ ટીમને પડકાર આપ્યા બાદ સિડની ટેસ્ટ-મૅચના અંતે તે ઇન્જર્ડ થયો હતો એને કારણે વર્કલોડ મૅનેજમેન્ટ વિશે ચર્ચા જાગી છે.
ભારત માટે ૮ ટેસ્ટમૅચમાં ૧૦ વિકેટ અને બાવીસ વન-ડેમાં ૧૬ વિકેટ લેનાર મીડિયમ ફાસ્ટ બોલર બલવિન્દર સંધુએ આ સંદર્ભે ચોંકાવનારું નિવેદન કર્યું છે. મુંબઈમાં જન્મેલા અને ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્ય રહેલા ૬૮ વર્ષના આ ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, ‘વર્કલોડ? બુમરાહે કેટલી ઓવર નાખી? ૧૫૦? પણ કેટલી મૅચ કે ઇનિંગ્સમાં? પાંચ મૅચ અથવા ૯ ઇનિંગ્સ. મતલબ કે દરેક ઇનિંગ્સમાં ૧૬ ઓવર અથવા દરેક મૅચમાં ૩૦ ઓવર અને તે એક સમયે ૧૫ ઓવરથી વધુ બોલિંગ કરતો નથી. તો શું એ મોટી વાત છે? વર્કલોડ મૅનેજમેન્ટ નૉનસેન્સ છે. આ ઑસ્ટ્રેલિયન શબ્દો છે જે ઑસ્ટ્રેલિયન લોકોએ બનાવ્યા છે. વર્કલોડ મૅનેજમેન્ટ કાંઈ નથી. હું એની સાથે સહમત નથી. હું એવા યુગમાંથી આવ્યો છું જ્યારે ક્રિકેટરો તેમના શરીરનું સાંભળતા હતા, અન્ય કોઈનું નહીં.’
દિવસમાં ૧૫ ઓવર બોલિંગ કરવી અને એ પણ અલગ-અલગ સ્પેલમાં એ બોલર માટે કોઈ મોટી વાત નથી એમ જણાવતાં સંધુ કહે છે, ‘તમે ટેસ્ટમૅચના તમામ પાંચ દિવસ બોલિંગ નથી કરતા. આજે તમારી પાસે તમારા શરીરની સંભાળ રાખવા માટે શ્રેષ્ઠ ફિઝિયો, શ્રેષ્ઠ માલિશ કરનાર અને શ્રેષ્ઠ ડૉક્ટરો હોય છે. જો કોઈ બોલર એક ઇનિંગ્સમાં ૨૦ ઓવર નાખી ન શકે તો તેણે ભારત માટે રમવાનું ભૂલી જવું જોઈએ. ભારત માટે રમવા એક ઇનિંગ્સમાં ૨૦ ઓવર કરવાની તાકાત હોવી જોઈએ, નહીંતર T20 ક્રિકેટ રમવું વધુ સારું, જ્યાં માત્ર ચાર ઓવર નાખવાની હોય છે.’