28 November, 2024 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરે પર્થ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર વિરાટ કોહલીના ફૉર્મ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વિરાટ કોહલી પહેલી ઇનિંગ્સમાં પ્રેશરમાં આવીને પાંચ રનમાં ઝડપથી આઉટ થઈ ગયો હતો, પણ બીજી ઇનિંગ્સમાં તેણે પોતાના બૅટિંગ-સ્ટાન્સમાં સારો ફેરફાર કર્યો. મને લાગે છે કે નાની-નાની બાબતોમાં ઍડ્જસ્ટ થવાથી તે જ્યાં સુધી જવા માગતો હતો ત્યાં પહોંચવામાં તેને મદદ મળી છે. ઑસ્ટ્રેલિયામાં ઉછાળવાળી પિચો પર તમારા માટે આવી નાની બાબતો પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ બની જાય છે.’
સ્ટાર ટેનિસપ્લેયર્સનું ઉદાહરણ આપતાં સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘રોજર ફેડરર, નોવાક જૉકોવિચ અને રાફેલ નડાલ જેવા ચૅમ્પિયન પ્લેયર્સ સેમી ફાઇનલમાં હારી જાય છે તો લોકો કહે છે કે તેઓ ફૉર્મમાં નથી. આ જ વાત વિરાટ કોહલીને લાગુ પડે છે, કારણ કે લોકો હંમેશાં તેની પાસેથી સેન્ચુરીની અપેક્ષા રાખે છે. જો તે ૭૦ કે ૮૦ રન બનાવશે તો પણ લોકો કહેશે કે તે રન બનાવી શકતો નથી. ભારતીય ક્રિકેટફૅન્સ લોભી છે, તેઓ તેમના સ્ટાર પ્લેયર્સના ૭૦ કે ૮૦ રનથી ખુશ નથી થતા.’