સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુશેનના પ્રદર્શન પર સવાલ

01 December, 2024 10:11 AM IST  |  Perth | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ જૉનસને બન્નેની નિષ્ફળતા બાબતે ચિંતા વ્યક્ત કરી

મિચલ જૉનસન

ઍડીલેડમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલાં ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ જૉનસને કાંગારૂ ટીમના બે બૅટર્સના ફૉર્મ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. એક કૉલમમાં માર્નસ લબુશેનના પ્રદર્શન પર સવાલ ઉઠાવતાં ૪૩ વર્ષના જૉનસને લખ્યું હતું કે ‘માર્નસ લબુશેન લાંબા સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને ઍડીલેડમાં રમાનારી બીજી ટેસ્ટ-મૅચમાં તેના સ્થાને અન્ય ખેલાડીને મેદાનમાં ઉતારવો જોઈએ. આનો અર્થ એ નથી કે પર્થ ટેસ્ટમાં મળેલી કારમી હાર માટે કોઈને બલિનો બકરો બનાવવામાં આવે, પણ લબુશેને પોતાનું ફૉર્મ પાછું મેળવવા માટે સ્થાનિક ક્રિકેટ રમવું જોઈએ. છેલ્લી ૧૦ ટેસ્ટ-ઇનિંગ્સમાં તે માત્ર એક જ વાર ડબલ ફિગર સુધી પહોંચી શક્યો છે.’

મિચલ જૉનસને આગળ લખ્યું હતું કે ‘સ્ટીવ સ્મિથનું ફૉર્મ ગંભીર ચિંતાનો વિષય છે. એવું લાગે છે કે તેણે પોતાની ચમક ગુમાવી દીધી છે જેને જોવા માટે અમે ટેવાયેલા છીએ. તે તેના પૅડ પર આવતા બૉલને રમી શકતો નથી, જ્યારે ભૂતકાળમાં તે આવા બૉલ પર સરળતાથી રન બનાવતો હતો.’

પર્થમાં ૩૦ વર્ષનો લબુશેન પહેલી ઇનિંગ્સમાં બાવન બૉલમાં બે રન અને બીજી ઇનિંગ્સમાં પાંચ બૉલમાં ત્રણ રન બનાવી શક્યો હતો, જ્યારે ૩૫ વર્ષનો સ્મિથ પહેલી ઇનિંગ્સમાં  ગોલ્ડન ડક થયો અને બીજી ઇનિંગ્સમાં ૬૦ બૉલમાં ૧૭ રન બનાવી શક્યો હતો.

india australia perth border gavaskar trophy cricket news sports sports news