BGTના ઇતિહાસમાં પહેલી વાર એક ટેસ્ટમાં બન્ને ટીમના કૅપ્ટન ફાસ્ટ બોલર

22 November, 2024 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંગારૂઓ સામે આજથી શરૂ થઈ રહ્યો છે પ્રતિષ્ઠાનો જંગ, ઑસ્ટ્રેલિયા સામે ૧૬માંથી ૧૦ BGT જીતી છે ભારતીયોએ, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે આ સિરીઝ જીતવી જરૂરી

ગઈ કાલે પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન.

૨૮ વર્ષથી રમાઈ રહેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ૧૭મી ટેસ્ટ-સિરીઝ આજથી શરૂ થઈ છે. ઑક્ટોબર ૧૯૯૬માં દિલ્હીમાં શરૂ થયેલી આ પ્રતિષ્ઠિત ટેસ્ટ-સિરીઝનું નામ બન્ને દેશના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલન બૉર્ડર અને સુનીલ ગાવસકરના સન્માનમાં રાખવામાં આવ્યું હતું. આ અગાઉની ૧૬માંથી ૯ BGT ભારતમાં રમાઈ છે, જ્યારે ઑસ્ટ્રેલિયા આઠમી વાર આ સિરીઝનું યજમાન બન્યું છે.

બન્ને ટીમ વચ્ચે રમાયેલી BGTની ૧૬ ટેસ્ટ-સિરીઝમાંથી ૧૦ સિરીઝ ભારતીય ટીમે જીતી છે. ૧૯૯૬-’૯૭ની ટ્રોફી જીતનાર ભારતીય ટીમે ૨૦૧૬-’૧૭થી ૨૦૨૨-’૨૩ સુધી સતત ચાર સિરીઝ જીતી છે. આ વર્ષે ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયાની ધરતી પર હૅટ-ટ્રિક સિરીઝ જીતવાની તક છે. કાંગારૂ ટીમ પાંચ BGT સિરીઝ જીતી છે, જ્યારે ૨૦૦૩-’૦૪ની ઑસ્ટ્રેલિયામાં આયોજિત ચાર મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી. BGTમાં પહેલી વાર આ પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમાઈ રહી છે. એક ટેસ્ટથી શરૂ થયેલી આ પ્રતિષ્ઠિત સિરીઝમાં ૧૧ વાર ચાર મૅચની, ત્રણ વાર ત્રણ મૅચની અને એક વાર બે મૅચની ટેસ્ટ-સિરીઝ રમાઈ છે. ઓવરઑલ રેકૉર્ડની વાત કરીએ તો ૧૯૯૧-’૯૨ બાદ બન્ને ટીમ વચ્ચે પહેલી વાર પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમાશે.

ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ સામે
ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરનાર ભારતીય ટીમ સામે બાઉન્સબૅક કરવાનો પડકાર હશે, જ્યારે માર્ચ ૨૦૨૪માં ન્યુ ઝીલૅન્ડ સામે બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ઑસ્ટ્રેલિયાની ટીમ ઑલમોસ્ટ આઠ મહિના બાદ ટેસ્ટ રમવા ઊતરશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની વર્તમાન સીઝન માટે પણ આ ટેસ્ટ-સિરીઝ મહત્ત્વપૂર્ણ છે. ઑસ્ટ્રેલિયા હાલમાં ૬૨.૫૦ની પૉઇન્ટ ટકાવારી સાથે નંબર વન ટીમ છે, જ્યારે ભારતીય ટીમ ૫૮.૩૩ પૉઇન્ટ ટકાવારી સાથે બીજા ક્રમે છે. આ સિરીઝમાં ચાર મૅચ જીતીને ભારતીય ટીમ ફાઇનલિસ્ટ તરીકેની દાવેદારી મજબૂત કરી શકશે. 

પર્થ ટેસ્ટમાં બન્ને ટીમના કૅપ્ટન ફાસ્ટ બોલર્સ છે. ટેસ્ટ ઇતિહાસની આ છઠ્ઠી અને BGTની પહેલી ઘટના છે જ્યારે એક ટેસ્ટ મૅચમાં બન્ને ટીમના કૅપ્ટન ફાસ્ટ બોલર્સ હોય. આ પહેલાં ૧૯૮૨માં ઇંગ્લૅન્ડ-પાકિસ્તાન, ૧૯૯૭માં પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડીઝ, ૨૦૦૧ ઝિમ્બાબ્વે-સાઉથ આફ્રિકા, ૨૦૧૮માં વેસ્ટ ઇન્ડીઝ-શ્રીલંકા અને ૨૦૧૪માં ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની
ટેસ્ટ-મૅચમાં આ ઘટના બની હતી.

ટેસ્ટ હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ : ૧૦૭ 
ઑસ્ટ્રેલિયાની જીત : ૪૫
ભારતની જીત : ૩૨
ડ્રૉ : ૨૯ ટાઇ : ૦૧ 

ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-રેકૉર્ડ 
કુલ મૅચ : ૫૨
ઑસ્ટ્રેલિયાની જીત : ૩૦ 
ભારતની જીત : ૦૯
ડ્રૉ : ૧૩

BGTમાં હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ : ૫૬
ભારતની જીત : ૨૪
ઑસ્ટ્રેલિયાની જીત : ૨૦
ડ્રૉ : ૧૨

sports news sports australia indian cricket team border-gavaskar trophy cricket news