06 January, 2025 10:43 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
પહેલી વાર BGT જીત્યા બાદ ફૅમિલી સાથે ખુશ જોવા મળ્યો પૅટ કમિન્સ.
ઑસ્ટ્રેલિયન ટીમને ૧૦ વર્ષ બાદ BGTમાં ચૅમ્પિયન બનાવવામાં કૅપ્ટન પૅટ કમિન્સે મહત્ત્વની ભૂમિકા ભજવી. જસપ્રીત બુમરાહ બાદ સૌથી વધુ પચીસ વિકેટ લેનાર કમિન્સે આ સિરીઝમાં ૧૫૯ રન પણ ફટકાર્યા હતા. પોતાની વિશ-લિસ્ટનું વધુ એક સપનું પૂરું કરીને તેણે કૅપ્ટન તરીકે પહેલી વાર આ સિરીઝ જીતી હતી.
સિરીઝ જીત્યા બાદ કમિન્સે કહ્યું કે ‘આ એક મોટી જીત છે. ઑસ્ટ્રેલિયામાં આ સૌથી મોટી ટેસ્ટ-સિરીઝ છે. આખી સિરીઝ ઉતાર-ચડાવથી ભરેલી હતી એટલે ૩-૧થી જીતવું સારું લાગે છે. મોટી વાત તો એ છે કે અમે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં છીએ.’
ભારતીય પ્લેયર્સની વાત કરતાં કમિન્સે કહ્યું કે ‘દર વખતે બુમરાહે સારી બોલિંગ કરી, તેણે પ્રભાવ પાડ્યો અને મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી. તેના ન રમવાથી અમને ફાયદો થયો એમાં કોઈ શંકા નથી, પણ જ્યારે કૅપ્ટન રમતા નથી ત્યારે આશ્ચર્ય થાય છે. વિરાટ કોહલી મૅચમાં રન ઉપરાંત ડ્રામા પણ લાવે છે જે કેટલીક વાર સારું લાગે છે અને ક્યારેક તેની કમેન્ટ હરીફ ટીમને ઉશ્કેરે એવી હોય છે, પણ આ તેની વ્યૂહરચના છે. તેની સાથે રમવાની મજા આવી. છેલ્લા એક દાયકાથી તે સ્ટાર બૅટ્સમૅન છે. આ તેની છેલ્લી સિરીઝ હશે તો એ દુખદ વાત છે.`