ડ્રેસિંગરૂમની વાત ત્યાં જ રહેવી જોઈએ, ટીમ માટે પ્રામાણિકતા ખૂબ મહત્ત્વપૂર્ણ છે

03 January, 2025 10:02 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

પ્લેયર્સને ખખડાવવાની વાતો લીક થયા બાદ ગૌતમ ગંભીર કડક શબ્દોમાં કહે છે...

ગૌતમ ગંભીર

સિડની ટેસ્ટ-મૅચ પહેલાં ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પરિવર્તનમાંથી પસાર થઈ રહેલી ટીમ ઇન્ડિયા વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યાં હતાં. સામાન્ય રીતે મૅચ પહેલાં કૅપ્ટન પ્રેસ-કૉન્ફરન્સ માટે આવે છે તો હેડ કોચ કેમ આવ્યા? આવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે એવી કોઈ પરંપરા નથી કે કૅપ્ટન જ જવાબ આપવા આવે. પિચ જોયા બાદ મૅચ પહેલાં પ્લેઇંગ ઇલેવન નક્કી કરીશું એ નિવેદનથી રોહિત શર્માને ટીમમાં જગ્યા મળશે કે કેમ એના પર શંકા ઊભી થઈ હતી.

ડ્રેસિંગરૂમની વાત લીક થવાના સમાચાર માત્ર અહેવાલ છે, સત્ય નથી. વાતચીત પ્રામાણિક હતી. મોટી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે પ્રામાણિકતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યાં સુધી ડ્રેસિંગરૂમમાં ઈમાનદાર લોકો છે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે. પરિવર્તનના કોઈ પણ સમયે પ્રામાણિકતા સૌથી મહત્ત્વપૂર્ણ છે.

કોચ અને પ્લેયર્સ વચ્ચેની વાતચીત ફક્ત તેમની વચ્ચે જ રહેવી જોઈએ રમતગમત પરિણામો માટે જાણીતી છે, પરંતુ વ્યક્તિઓ વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયા ફક્ત ડ્રેસિંગરૂમમાં જ હોવી જોઈએ.

ટીમમાં રહેવા માટે પ્રદર્શન જ એક માત્ર માપદંડ છે. એવું નથી કે સિનિયર ખેલાડીઓને બહાર કરવામાં આવી રહ્યા છે અને નવા ખેલાડીઓને લાવવામાં આવી રહ્યા છે. દિવસના અંતે જે વસ્તુ તમને ડ્રેસિંગરૂમમાં જાળવી રાખશે એ તમારું પ્રદર્શન છે.

દરેક વ્યક્તિ જાણે છે કે તે કેવું પ્રદર્શન કરી રહી છે. મેં વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે માત્ર ટેસ્ટ-મૅચ કેવી રીતે જીતવી એ વિશે વાત કરી છે. આપણે બધા જાણીએ છીએ કે તેઓ કેટલા મહત્ત્વપૂર્ણ છે.

india indian cricket team australia test cricket border gavaskar trophy cricket news sports sports news sydney gautam gambhir