05 January, 2025 09:28 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
સિડની ટેસ્ટ-મૅચમાં ભારતીય ટીમના કૅપ્ટન જસપ્રીત બુમરાહે ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં ૧૦ ઓવરમાં ૩૩ રન આપી બે વિકેટ ઝડપી હતી. બીજા દિવસની રમતમાં લંચ પછીના બીજા સેશનના સ્પેલમાં એક ઓવર નાખ્યા બાદ તેના પગમાં દુખાવો શરૂ થયો અને તકલીફને કારણે તેણે વિરાટ કોહલી સાથે ચર્ચા કરીને મેદાન છોડી ડ્રેસિંગરૂમ તરફ આગળ વધ્યો હતો.
વિરાટ કોહલીએ સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટનની જવાબદારી સંભાળી ત્યાર બાદ બુમરાહ ટીમના ડૉક્ટર અને સપોર્ટ સ્ટાફ સાથે કારમાં સ્ટેડિયમમાંથી બહાર નીકળ્યો હતો. તે સાવચેતીના ભાગરૂપે પગના સ્કૅન માટે હૉસ્પિટલ ગયો હતો. તે ત્રણ કલાક અને ૨૦ મિનિટ સુધી મેદાનથી દૂર હતો. ભારતની બૅટિંગ ચાલી રહી હતી ત્યારે તે ડ્રેસિંગરૂમમાં પાછો ફર્યો હતો. અહેવાલ અનુસાર તે બીજી ઇનિંગ્સમાં બૅટિંગ કરી શકશે, પણ બોલિંગ કરી શકશે કે કેમ એ વિશે હજી નિર્ણય લેવાયો નથી.