30 December, 2024 09:13 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
બ્રેક દરમ્યાન મેદાન પર યશસ્વીને ખખડાવ્યો રોહિત શર્માએ
મેલબર્ન ટેસ્ટના ચોથા દિવસે ઓપનર યશસ્વી જાયસવાલની ફીલ્ડિંગ ભારતીય ટીમ માટે માથાનો દુખાવો સાબિત થયો હતો. તેણે એક જ દિવસમાં ચાર મહત્ત્વપૂર્ણ કૅચ છોડી દેતાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાને ઓછા સ્કોરમાં ઑલઆઉટ કરવામાં નિષ્ફળ ગઈ હતી. બોલર્સ સહિત કૅપ્ટન રોહિત શર્મા તેની આ ભૂલ બદલ તેના પર બરાબર અકળાયા હતા.
યશસ્વી જાયસવાલે ફીલ્ડિંગ દરમ્યાન ઉસ્માન ખ્વાજા, માર્નસ લબુશેન અને પૅટ કમિન્સના આસાન કૅચ છોડ્યા હતા.
સૌથી પહેલાં તેણે ૨.૫ ઓવરમાં જસપ્રીત બુમરાહની બોલિંગ પર ગલીના ફીલ્ડરની પોઝિશન પર બે રને રમી રહેલા ઉસ્માન ખ્વાજાનો કૅચ છોડ્યો. ૩૯.૨ ઓવરમાં આકાશ દીપની બોલિંગ પર તેણે થર્ડ સ્લિપની પોઝિશન પર ૪૬ રને રમી રહેલા માર્નસ લબુશેનનો સરળ કૅચ છોડ્યો અને અંતે ૪૮.૩ ઓવરમાં રવીન્દ્ર જાડેજાની બોલિંગમાં ૨૦ રને રમી રહેલા પેટ કમિન્સનો કૅચ તેણે સિલી પૉઇન્ટ પોઝિશન પર છોડ્યો હતો.
સરળ કૅચ છોડી દેતાં ફાસ્ટ બોલર આકાશ દીપ પણ યશસ્વી પર અકળાયો
ત્રીજા દિવસની રમતમાં કૅપ્ટન રોહિત શર્માએ તેને બૅટર બૉલ ન રમી લે ત્યાં સુધી ઊઠવાની ના પાડી હતી. તે બૅટર રમે એ પહેલાં જ સિલી પૉઇન્ટની પોઝિશનથી ઊઠી ગયો અને પેટ કમિન્સના શૉટથી બૉલ તેના પગની નીચેથી પસાર થઈ ગયો.