નીતીશને બૅટિંગ ઑર્ડરમાં પ્રમોશન આપવાની ડિમાન્ડ કરી રવિ શાસ્ત્રીએ

30 December, 2024 02:34 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ટૉપ-સિક્સમાં જ બૅટિંગ કરવી જોઈએ. એનાથી ભારતીય ટીમ પાંચ બોલર્સ સાથે મેદાન પર ઊતરી શકશે.

ઇન્ટરવ્યુ દરમ્યાન રેડ્ડી ફૅમિલી સાથે કૉમેન્ટેટર રવિ શાસ્ત્રી.

મેલબર્ન ટેસ્ટમાં સેન્ચુરી ફટકારીને ભારતીય ટીમની વાપસી કરાવનાર ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી માટે રવિ શાસ્ત્રીએ મોટી ડિમાન્ડ કરી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રી માને છે કે સાતમા અને આઠમા ક્રમે તે છેલ્લી વાર બૅટિંગ કરતો જોવા મળી રહ્યો છે. હવે પછી તેને ટૉપ-સિક્સમાં જ બૅટિંગ કરવી જોઈએ. એનાથી ભારતીય ટીમ પાંચ બોલર્સ સાથે મેદાન પર ઊતરી શકશે.

ગઈ કાલે રવિ શાસ્ત્રી રેડ્ડી ફૅમિલીને પણ મળ્યો હતો. નીતીશની સેન્ચુરી વખતે કૉમેન્ટરી બૉક્સમાં રડનારા શાસ્ત્રીએ તેમને કહ્યું કે ‘તેની સેન્ચુરી વખતે ટીવી પર તેની ફૅમિલીનાં દૃશ્યો બતાવવામાં આવી રહ્યાં હતાં અને હું તેમની ફૅમિલીના બલિદાનને જાણું છું. સૌથી મહત્ત્વની વાત એ કે તેણે જે રીતે બૅટિંગ કરી, તેની પ્રતિભા અને શિસ્ત જોઈને એ સમયે કૉમેન્ટરી બૉક્સમાં બધા બોલતા હતા અને હું આંખમાં આંસુને કારણે ચૂપ હતો. મારી આંખમાં આંસુ આટલી સરળતાથી નથી આવતાં. તેની ઇનિંગ્સ જોવાની મજા આવી.’

તમારા કારણે જ ભારતને ક્રિકેટમાં ડાયમન્ડ મળ્યો છે

નીતીશના પપ્પાના બલિદાનની પ્રશંસા કરતાં ગાવસકરે કહ્યું...

મેલબર્ન ટેસ્ટના ચોથા દિવસે પણ ૨૧ વર્ષના ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીની ફૅમિલી ચર્ચામાં રહી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકર જ્યારે રેડ્ડી ફૅમિલીની સામે આવ્યા ત્યારે નીતીશના પપ્પા, મમ્મી અને બહેન તેમને પગે લાગ્યાં. તેના પપ્પા મુતાલ્યા રેડ્ડી આ મહાન ક્રિકેટર સામે નતમસ્તક થઈ ગયા હતા. રેડ્ડી ફૅમિલીએ પ્રેમ અને સમર્થન બદલ દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો. 

સુનીલ ગાવસકરની સામે નતમસ્તક થયા નીતીશ કુમાર રેડ્ડીના પપ્પા.

સ્ટાર સ્પોર્ટ્સના આ ઇન્ટરવ્યુમાં સુનીલ ગાવસકરે કહ્યું કે ‘હું જાણું છું કે નીતીશની સફરમાં તેના પપ્પાએ કેટલું મોટું બલિદાન આપ્યું અને તેની સેન્ચુરીથી મારી આંખોમાં આંસુ આવી ગયાં. મારાં મમ્મી-પપ્પાએ પણ બલિદાન આપ્યાં હતાં એટલે હું જાણું છું કે જ્યારે દીકરી કે દીકરો આવું કામ કરે ત્યારે કેટલો ગર્વ અને આનંદ થાય. આપણા કેટલાક ટૅલન્ટેડ પ્લેયર ખોટી રીતે વિકેટ ગુમાવી દે છે, પણ નીતીશે પોતાની ઇનિંગ્સને સારી રીતે સંભાળીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. તમારા કારણે જ ભારતને ક્રિકેટમાં ડાયમન્ડ મળ્યો છે.’

મેલબર્નમાં વિરાટ-અનુષ્કા સાથે રેડ્ડી ફૅમિલી

એક સમયે અવૉર્ડ સમારોહમાં ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીએ ગુપચુપ વિરાટ અને અનુષ્કા સાથે સેલ્ફી પડાવ્યો હતો. હવે ભારતીય ટીમ માટે નીતીશની સેન્ચુરી બાદ રેડ્ડી ફૅમિલી ગર્વથી વિરાટ અને અનુષ્કા સાથે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફોટો પડાવ્યો હતો.

india australia border gavaskar trophy melbourne nitish kumar reddy sunil gavaskar ravi shastri anushka sharma cricket news sports news sports