ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર આઠમા અને નવમા ક્રમના બૅટરે ૧૫૦ પ્લસ બૉલ રમ્યા

29 December, 2024 11:35 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

નીતીશ કુમાર રેડ્ડીએ ૧૭૬ અને વૉશિંગ્ટન સુંદરે ૧૬૨ બૉલનો સામનો કરી ભારતની જબરદસ્ત વાપસી કરાવી : મેલબર્ન ટેસ્ટના ત્રીજા દિવસે ભારતનો સ્કોર ૯ વિકેટે ૩૫૮ રન, ઑસ્ટ્રેલિયા પાસે ૧૧૬ રનની લીડ

આઠમી વિકેટ માટે ૧૨૭ રનની પાર્ટરનશિપ કરી રેડ્ડી અને સુંદરે

મેલબર્ન ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમે કાંગારૂ ટીમ સામે જબરદસ્ત વાપસી કરી હતી. નીતીશ કુમાર રેડ્ડી અને વૉશિંગ્ટન સુંદરની ઐતિહાસિક પાર્ટનરશિપની મદદથી ભારતીય ટીમે દિવસને અંતે ૧૧૬ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૩૫૮ રન બનાવ્યા છે. વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે સમય પહેલાં રમતને સમાપ્ત કરવી પડી હતી. પહેલી ઇનિંગ્સમાં ૪૭૪ રન બનાવનાર ઑસ્ટ્રેલિયન ટીમ આ મૅચમાં હજી ૧૧૬ રન આગળ છે.

શૉર્ટ લેગ પર ફીલ્ડિંગ કરી રહેલા ટ્રૅવિસ હેડને વૉશિંગ્ટન સુંદરના શૉટથી પગમાં બૉલ વાગ્યો જેનાથી તે થોડા સમય માટે મેદાન પર આક્રંદ કરતો જોવા મળ્યો

રમતની શરૂઆત કરનાર રિષભ પંત (૨૮ રન) અને રવીન્દ્ર જાડેજા (૧૭ રન)ની વિકેટ પડ્યા બાદ નીતીશ કુમાર રેડ્ડી (૧૦૫ રન અણનમ) અને વૉશિંગ્ટન સુંદર (૫૦ રન)ની જોડીએ ભારતને ફૉલો-ઑનથી બચાવીને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે આઠમી વિકેટ માટે ૨૮૫ બૉલમાં ૧૨૭ રનની પાર્ટનરશિપ કરી હતી. જસપ્રીત બુમરાહ શૂન્ય પર આઉટ થયો હતો પણ અંતિમ બૅટર તરીકે આવેલા મોહમ્મદ સિરાજે ૭ બૉલમાં બે રન બનાવી નીતીશ કુમાર રેડ્ડીનો સાથ આપ્યો હતો.

આઠમા ક્રમે આવેલા નીતીશ કુમાર રેડ્ડીએ ૧૭૬ બૉલ અને નવમા ક્રમે આવેલા વૉશિંગ્ટન સુંદરે ૧૬૨ બૉલનો સામનો કર્યો હતો. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર આઠમા અને નવમા ક્રમે રમનાર બૅટરે એક ઇનિંગ્સમાં ૧૫૦થી વધારે બૉલનો સામનો કર્યો છે. ભારત માટે ટેસ્ટમાં આ બીજી ઘટના છે જ્યારે આઠમા ક્રમ અને એની નીચેના બૅટરે એક ઇનિંગ્સમાં ૧૫૦ પ્લસ બૉલ રમ્યા હોય. ૧૯૮૧માં ઑકલૅન્ડમાં ન્યુ ઝીલૅન્ડ સામે સૈયદ કિરમાણી (આઠમા ક્રમે ૨૩૦ બૉલ) અને શિવલાલ યાદવ (દસમા ક્રમે ૨૧૩ બૉલ)એ આ કમાલ કરી હતી.

વૉશિંગ્ટન સુંદર

રન-૫૦, બૉલ-૧૬૨, ચોગ્ગા-૦૧, છગ્ગા-૦૦, સ્ટ્રાઇક-રેટ-૩૦.૮૬

નીતીશ કુમાર

રન-૧૦૫, બૉલ-૧૭૬, ચોગ્ગા-૧૦, છગ્ગા-૦૧, સ્ટ્રાઇક-રેટ-૫૯.૬૬

india australia test cricket indian cricket team border gavaskar trophy washington sundar nitish kumar reddy cricket news sports sports news