આૅલમોસ્ટ ૧૦ વર્ષ બાદ BGTમાં ટૉપ ફોર ઑસ્ટ્રેલિયન બૅટરની ફિફટી

27 December, 2024 10:54 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી કાંગારૂ ટીમે ભારત સામે ૮૬ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને કર્યા ૩૧૧ રન

ટ્રૅવિસ હેડને ઝીરો પર આઉટ કર્યા બાદ વિકેટની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની ચોથી ટેસ્ટના પહેલા દિવસે બરાબરીની ટક્કર જોવા મળી હતી. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. દિવસના અંતે યજમાન ટીમે ૮૬ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૩૧૧ રન કર્યા હતા. એક સમયે ઑસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે ૨૩૭ હતો, પણ ત્યાર બાદ બોલરોએ ભારતને કમબૅક કરાવીને બીજી ૪ વિકેટ લીધી એની સામે કાંગારૂઓએ માત્ર ૭૪ રન કર્યા હતા.

ઉસ્માન ખ્વાજા (૫૭ રન)એ ગઈ કાલે નવા ઓપનિંગ પાર્ટનર સૅમ કૉન્સ્ટૅસ (૬૦ રન) સાથે ૧૧૬ બૉલમાં ૮૯ રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. મિડલ ઑર્ડર બૅટર માર્નસ લબુશેન (૭૨ રન) અને સ્ટીવ સ્મિથે (૬૮ રન અણનમ) ટીમનો સ્કોર ૩૦૦ પ્લસ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જાન્યુઆરી ૨૦૧૫ બાદ BGTમાં પહેલી વાર ટૉપ-ફોર ઑસ્ટ્રેલિયન બૅટર્સે ભારત સામે ફિફ્ટી ફટકારી હતી. પહેલી વાર ઑક્ટોબર ૨૦૦૮માં દિલ્હી ટેસ્ટમાં અને બીજી વાર જાન્યુઆરી ૨૦૧૫માં ઑસ્ટ્રેલિયન ટીમના બૅટિંગ ઑર્ડરના પહેલા ચાર બૅટર આ કામ કરવામાં સફળ રહ્યા હતા.

સૌથી વધુ ૩ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહે ટ્રેવિસ હેડ (ઝીરો) અને મિચલ માર્શ (૪ રન)ને આઉટ કરીને ભારતીય ટીમને મોટી રાહત અપાવી હતી. સ્પિનર્સ રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદર સહિત ફાસ્ટ બોલર આકાશ દીપને ગઈ કાલે ૧-૧ વિકેટ મળી હતી. વિકેટકીપર ઍલેક્સ કેરી ૩૧ રન કરી શક્યો હતો. પહેલા દિવસની રમતના અંતે  સ્ટીવ સ્મિથ અને કૅપ્ટન પૅટ કમિન્સ (૮ રન) ક્રીઝ પર હતા.

બૉક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે રેકૉર્ડ ૮૭,૨૪૨ ફૅન્સ મૅચ જોવા ઊમટી પડ્યા

વિશ્વના બીજા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ફૅન્સે નવો કીર્તિમાન રચ્યો હતો. ૧,૦૦,૦૨૪ દર્શકોની ક્ષમતા ધરાવતા MCGમાં બૉક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે ૮૭,૨૪૨ દર્શકો મૅચ જોવા ઊમટી પડ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે આટલા દર્શકોની હાજરીથી એક નવો રેકૉર્ડ બન્યો છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ દિવસની ટેસ્ટ-મૅચમાં એક દિવસમાં આ સૌથી વધુ દર્શકોનો રેકૉર્ડ છે. ચોથી ટેસ્ટના પહેલા દિવસની ટિકિટ મૅચનાં બે અઠવાડિયાં પહેલાં વેચાઈ ગઈ હતી. આ સ્ટેડિયમમાં પાંચ દિવસમાં ૨,૫૦,૦૦૦ દર્શકો મૅચ જોવા આવશે એવી અપેક્ષા છે. 

border gavaskar trophy india australia test cricket indian cricket team melbourne cricket news sports sports news