13 February, 2023 01:50 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડેવિડ વૉર્નર
ઑસ્ટ્રેલિયા માટે ભારત સામે નાગપુર ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને ૧૩૨ રનથી પરાજય બાદ સિરીઝમાં વાપસી કરવી સરળ નહીં હોય. બોર્ડર-ગાવસકર ટ્રોફીની બીજી મૅચ ૧૭ માર્ચથી દિલ્હીમાં રમાશે. આ મૅચને લઈને એવો રિપોર્ટ આવ્યો છે કે ઑસ્ટ્રેલિયાની ટીમ ઓપનર ડેવિડ વૉર્નરને પ્લેઇંગ ઇલેવનમાં બહાર રાખશે. વળી ઑસ્ટ્રેલિયાની ટીમે દિલ્હી ટેસ્ટમાં ત્રણ સ્પિન બોલર સાથે મેદાનમાં ઊતરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ક્વીન્સલૅન્ડ સ્પિન બોલર મૅટ કુહનેમેનને પોતાની પહેલી ટેસ્ટ રમવાની તક મળી શકે છે. ટીમના રિઝર્વ લેગ સ્પિનર તરીકે સામેલ કરવામાં આવેલા મિચલ સ્વેપસન પોતાના પહેલા બાળકના જન્મના કારણે દેશ પાછો ફરી રહ્યો છે ત્યારે તેને બદલે કુહનેમેનને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઑસ્ટ્રેલિયન ટીમનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે વૉર્નર નાગપુર ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યા બાદ તેને ટીમમાંથી બહાર કરવાનો વિચાર કરવામાં આવ્યો છે અને તેને બદલે ટ્રેવિસ હેડને તક આપવામાં આવશે. નાગપુર ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગ્સમાં વૉર્નરે ૧ રન અને બીજીમાં ૧૦ રન બનાવ્યા હતા. ૨૬ વર્ષના કુહનેમેને તાજેતરમાં પૂરી થયેલી બિગ બેશ લીગની સીઝનમાં ૧૮ મૅચમાં ૧૬ વિકેટ લીધી હતી. ગયા વર્ષે ઑસ્ટ્રેલિયાની એ ટીમે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ તેણે પોતાના પ્રદર્શનથી તમામ લોકોને પ્રભાવિત કર્યા હતા.
કાંગારૂઓની યોજના પર પાણી ફરી વળ્યું
પહેલી ટેસ્ટમાં કારમી હાર થયા બાદ ઑસ્ટ્રેલિયાએ દિલ્હીમાં રમાનારી બીજી ટેસ્ટની તૈયારી નાગુપરમાં જ શરૂ કરવાની તૈયારી કરી હતી. ઑસ્ટ્રેલિયાના ટીમ મૅનેજમેન્ટે જે પિચ પર તેમની હાલત ખરાબ થઈ હતી એના પર જ પ્રૅક્ટિસ કરવાનો નિર્ણય કર્યો હતો જેથી દિલ્હી ટેસ્ટમાં જાતને સરખી રીતે તૈયાર કરી શકાય, પરંતુ તેમની આ યોજના પર વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફે પાણી ફેરવી દીધું હતું. ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે હવે એવો આરોપ કર્યો છે કે અમારી ટીમ નાગપુરમાં રોકાઈને પ્રૅક્ટિસ કરવા માગતી હતી, વળી જે પિચ પર પહેલી ટેસ્ટ રમાઈ હતી એને જ પસંદ કરી હતી, પરંતુ મૅચ પૂરી થયાના કેટલાક કલાક બાદ એ પિચ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો એને પરિણામે ઑસ્ટ્રેલિયાની ટીમ પ્રૅક્ટિસ કરી શકી નહોતી.