13 March, 2023 02:12 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અક્ષરે ગરમીમાં કોહલીને સાથ આપીને ૧૬૨ રનની ભાગીદારી કરી. કોહલીએ ૧૨૦૫ દિવસના અંતર બાદ ૨૮મી ટેસ્ટ-સદી ફટકારી અને વેડિંગ રિંગને ચૂમી લીધી હતી. તસવીર પી. ટી. આઇ.
ભારતનો મુખ્ય બૅટર વિરાટ કોહલી (૧૮૬ રન, ૩૬૪ બૉલ, ૧૫ ફોર) ગઈ કાલે ટેસ્ટમાં આઠમી ડબલ સેન્ચુરી ૧૪ રન માટે ચૂકી ગયો હતો, પરંતુ સ્પિનર્સને ઓછી મદદ અપાવતી અમદાવાદની પિચ પર તેણે ભારતને ૫૫૦-પ્લસનો સ્કોર અપાવીને આજે છેલ્લા દિવસે વિજય મેળવી શકાય એવી નજીવી આશા જરૂર અપાવી હતી. ડ્રૉનું પરિણામ સૌથી વધુ સંભવ છે એમ કહી શકાય, પરંતુ ક્રિકેટમાં ક્યારેય પણ કંઈ પણ શક્ય છે એ જોતાં આજે ભારત ૩-૧થી જીતી જશે તો જૂન મહિનાના ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન બુક કરાવી લેશે.
ઑસ્ટ્રેલિયાના ૪૮૦ રન સામે ભારતે ગઈ કાલે ચોથા દિવસે ૫૭૧ રન બનાવીને ૯૧ રનની સરસાઈ મેળવી લીધી હતી. ત્યાર પછી ઑસ્ટ્રેલિયાના બીજા દાવમાં વિનાવિકેટે ૩ રન હતા. નાઇટ વૉચમૅન મૅથ્યુ કુહનેમન ઝીરો પર અને ટ્રેવિસ હેડ ૩ રને રમી રહ્યા હતા. વિકેટકીપર ભરતે કૅચ ન છોડ્યો હોત તો ઑસ્ટ્રેલિયાની એક વિકેટ પડી ચૂકી હોત. પ્રથમ દાવમાં ૧૮૦ રન બનાવનાર ઉસ્માન ખ્વાજા ડાબા પગની ઈજાને લીધે ઓપનિંગમાં રમવા નહોતો આવ્યો.
કોહલી અને ટી૨૦ના અપ્રોચથી રમેલા ઑલરાઉન્ડર અક્ષર પટેલ (૭૯ રન, ૧૧૩ બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૧૬૨ રનની પાર્ટનરશિપ થઈ હતી.
કોહલીએ ૨૭ પરથી ૨૮મી સદી સુધી પહોંચતાં ૪૧ ઇનિંગ્સ લીધી હતી. કોહલીની આ સેકન્ડ સ્લોએસ્ટ સદી હતી. ૨૪૧ બૉલમાં બનાવેલા ૧૦૦ રનમાં તેની માંડ પાંચ ફોર હતી. અક્ષર ભારતને લીડ અપાવ્યા બાદ ૫૫૫ રનના કુલ સ્કોર પર આઉટ થયો હતો. ભારતના ૫૭૧ રનમાં ગિલનું ૧૨૮ રનનું, વિકેટકીપર શ્રીકાર ભરતનું ૮૮ બૉલમાં બનાવેલા ૪૪ રનનું તથા જાડેજાનું ૮૪ બૉલમાં બનાવેલા ૨૮ રનનું યોગદાન હતું. રોહિત ૩૫ રન અને ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ પુજારા ૪૨ રન બનાવી શક્યો હતો.
આ પણ વાંચો: કોહલીના ભારતમાં ૪૦૦૦ રન
કોહલીએ જો વધુ ૧૪ રન બનાવ્યા હોત તો ઑસ્ટ્રેલિયા સામે તેની પહેલી ડબલ સેન્ચુરી થઈ કહેવાત. જોકે અમદાવાદનું ક્રિકેટજગતનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેને ફળ્યું છે. તે નવેમ્બર ૨૦૧૯ બાદ છેક હવે (૪૦ મહિને) ટેસ્ટ સદી ફટકારવામાં સફળ રહ્યો છે. અમદાવાદી ક્રિકેટચાહકોને પહેલી વાર ભારતના આ લેજન્ડરી બૅટરની સદી માણવા મળી હતી.
જોકે ભારતના ૫૭૧ રનના સ્કોર પર તે (સિરીઝમાં ચોથી વાર) સ્પિનર ટૉડ મર્ફીના બૉલમાં આઉટ થયો હતો. શ્રેયસ ઐયર ઈજાને લીધે બૅટિંગ કરવા નહોતો આવ્યો. નૅથન લાયને ૧૫૧ રનમાં ત્રણ અને ટૉડ મર્ફીએ ૧૧૩ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
522
કોહલીએ આટલી ઇનિંગ્સમાં કુલ ૭૫ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી છે અને તે સચિનની ૫૬૬ ઇનિંગ્સના રેકૉર્ડથી ઘણો આગળ નીકળી ગયો છે.
વિરાટ, બીમાર હોવા છતાં તેં સંયમપૂવર્ક રમીને સદી ફટકારી. તું હંમેશાં મને પ્રેરિત કરતો રહે છે. - અનુષ્કા શર્મા