પુજારા બનશે ૧૦૦મી ટેસ્ટ રમનાર પ્રથમ ગુજરાતી : મોદીજીએ કર્યું સન્માન

16 February, 2023 02:24 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પુજારા ૧૦૦મી ટેસ્ટ રમનાર ભારતનો ૧૩ અને વિશ્ર્વનો ૭૪મો ખેલાડી બનશે

ટેસ્ટની સેન્ચુરી પહેલાં સોકરની મોજ : ચેતેશ્વર પુજારા ગઈ કાલે દિલ્હીના મેદાન પર સાથીઓ સાથે પ્રૅક્ટિસ સેશનમાં થોડું ફુટબૉલ પણ રમ્યો હતો. તસવીર પી.ટી.આઇ.

ચેતેશ્વર પુજારા માટે આવતી કાલે દિલ્હીમાં ઑસ્ટ્રેલિયા સામે શરૂ થનારી સિરીઝની બીજી ટેસ્ટ કરીઅરની ૧૦૦મી ટેસ્ટ બનશે અને એ ગૌરવ મેળવનાર તે પ્રથમ ગુજરાતી ખેલાડી કહેવાશે. તે આ અસાધારણ સિદ્ધિ મેળવે એ પહેલાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટનગરમાં પોતાના નિવાસસ્થાને પુજારાનું બહુમાન કર્યું હતું અને એ અવસરે પુજારાની પત્ની પૂજા પણ ઉપસ્થિત હતી. મોદીએ પુજારાને ૧૦૦મી ટેસ્ટ અને ભવિષ્ય વિશે શુભેચ્છા આપી હતી. પછીથી મોદીએ ટ્વિટર પર લખ્યું હતું, ‘આજે તમને અને તમારી પત્ની પૂજાને મળીને ઘણો આનંદ થયો. તમને ૧૦૦મી ટેસ્ટ તથા કરીઅર માટે ખૂબ-ખૂબ શુભેચ્છા.’

પુજારાએ ટ્વીટમાં લખ્યું, ‘આપણા માનવંતા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને મળવાનું અનેરું ગૌરવ મને મળ્યું. તેમની સાથેની વાતચીત મારા હૃદયમાં સમાઈ ગઈ છે. તેમણે મને ૧૦૦મી ટેસ્ટ બાબતે જે પ્રોત્સાહન આપ્યું એ પણ હું ક્યારેય નહીં ભૂલું.’

પુજારા ૧૦૦મી ટેસ્ટ રમનાર ભારતનો ૧૩ અને વિશ્ર્વનો ૭૪મો ખેલાડી બનશે. ભારત વતી ૧૦૦ કે વધુ ટેસ્ટ રમનારાઓમાં ગાવસકર, વેન્ગસરકર, કપિલ દેવ, અઝહરુદ્દીન, સચિન, દ્રવિડ, ગાંગુલી, લક્ષ્મણ, સેહવાગ, કુંબલે, હરભજન અને કોહલીનો સમાવેશ છે.

sports news sports indian cricket team cricket news test cricket australia border-gavaskar trophy cheteshwar pujara narendra modi