15 January, 2025 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજીવ શુક્લા
ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ ભારતીય ટીમમાં ચીફ સિલેક્ટર, કૅપ્ટન અને હેડ કોચ વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાનો ઇનકાર કર્યો હતો. રોહિત શર્માના ખરાબ પ્રદર્શનને લઈને તેના અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે કૅપ્ટન્સીના મુદ્દે મતભેદ છે એવી પણ વાત ચર્ચામાં આવી હતી.
આવા મતભેદના સમાચાર વિશે વાત કરતાં રાજીવ શુક્લાએ કહ્યું હતું કે ‘આ સંપૂર્ણપણે ખોટી વાત છે. ચીફ સિલેક્ટર અજિત આગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે કોઈ મતભેદ નથી. કૅપ્ટન રોહિત શર્મા અને કોચ વચ્ચે પણ કોઈ મતભેદ નથી. આ બધી બકવાસ છે જે મીડિયાના એક વર્ગ દ્વારા ફેલાવવામાં આવી રહી છે. રોહિતે કૅપ્ટન્સી કરતા રહેવાનો આગ્રહ રાખ્યો છે એ પણ ખોટું છે. તે કૅપ્ટન છે. ફૉર્મમાં રહેવું કે ન હોવું એ રમતનો અભિન્ન ભાગ છે. જ્યારે તેણે (રોહિતે) જોયું કે તે ફૉર્મમાં નથી ત્યારે તેણે પાંચમી ટેસ્ટ-મૅચમાંથી પોતાને બહાર કરી દીધો. અમે આગળ વધવાના માર્ગ અને વધુ સારું કેવી રીતે કરી શકાય એની એક સમીક્ષા-બેઠકમાં ચર્ચા કરી છે.’