06 March, 2025 09:24 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
| BCCIના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લા
સુરક્ષાના કારણસર ભારતીય પ્લેયર્સ ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન-ટૂર પર ગયા નહોતા, પણ ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લા લાહોરમાં સેમી-ફાઇનલ મૅચ જોવા પહોંચતાં સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી સાથે સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની મૅચનો આનંદ માણ્યો હતો. પાકિસ્તાન બોર્ડે સેમી-ફાઇનલ મૅચ માટે તમામ ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓને પાકિસ્તાન આવવા માટે આમંત્રણ આપ્યું હતું.
ગઈ કાલે સેમી-ફાઇનલ મૅચ પહેલાં પૅરિસ ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલિસ્ટ જૅવલિન થ્રોઅર અર્શદ નદીમ ટ્રોફી લઈને મેદાન પર પહોંચ્યો હતો. ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચીને ભારતે પાકિસ્તાન પાસેથી ફાઇનલ મૅચની યજમાની પણ છીનવી લીધી છે, કારણ કે નવ માર્ચે ફાઇનલ મૅચ લાહોરને બદલે દુબઈમાં રમાશે. ICC ટુર્નામેન્ટમાં આ પહેલી ઘટના છે જ્યારે યજમાન દેશમાં ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ નહીં રમાશે.