21 January, 2025 10:38 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ઈડન ગાર્ડન્સમાં પ્રૅક્ટિસ-સેશન દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓ અને હેડ કોચ
કલકત્તામાં બાવીસ જાન્યુઆરીથી શરૂ થનારી અને બે ફેબ્રુઆરીએ સમાપ્ત થનારી પાંચ મૅચની T20 સિરીઝ માટે ભારત-ઇંગ્લૅન્ડના પ્લેયર્સ જબરદસ્ત પ્રૅક્ટિસ કરી રહ્યા છે. રવિવારે આરામ કર્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમે ગઈ કાલે મેદાન પર પોતાની તૈયારીઓ શરૂ કરી હતી. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઘૂંટણ પર પાટા બાંધીને બોલિંગ અને ફીલ્ડિંગ પ્રૅક્ટિસ કરી રહ્યો હતો. તે શરૂઆતમાં ટૂંકા રન-અપ સાથે ધીમી બોલિંગ અને પછી ગતિ વધારીને ફુલ રન-અપ સાથે ફાસ્ટ બોલિંગ કરી રહ્યો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ટીમના સભ્યો માટે જે ગાઇડલાઇન્સ બનાવી એમાંની એકનું પાલન કલકત્તાથી શરૂ થઈ ગયું છે. ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગૉલના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીએ પુષ્ટિ કરી છે કે ‘ભારતીય પ્લેયર્સ માટે માત્ર એક ટીમ-બસની વ્યવસ્થા કરવામાં આવી છે જે તેમને હોટેલથી સ્ટેડિયમ સુધી લાવશે. ક્રિકેટરો માટે કોઈ વ્યક્તિગત વાહન રહેશે નહીં. BCCIએ આવા કોઈ પણ ખાનગી વાહનની વ્યવસ્થા કરવાની મનાઈ ફરમાવી છે.’
ભારતીય ટીમના પ્લેયર્સ ટીમ-બસમાં જ ઈડન ગાર્ડન્સમાં પ્રૅક્ટિસ-સેશન માટે પહોંચી રહ્યા છે.