બીસીસીઆઇએ રણજી ટ્રોફી બંધ કરી દેવી જોઈએ : મનોજ તિવારી

12 February, 2024 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને બંગાળની રણજી ટીમના કૅપ્ટન મનોજ તિવારીએ કહ્યું કે રણજી ટ્રોફીની ચમક હવે ફીકી પડી ગઈ છે

મનોજ તિવારી

ભારતની આઇકૉનિક ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ દરમ્યાન ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને બંગાળ ટીમના સુકાની મનોજ તિવારીએ રણજી ટ્રોફીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેના કહેવા પ્રમાણે રણજી ટ્રોફીની ચમક હવે ફીકી પડી ગઈ છે અને ભારતીય ક્રિકેટ બોર્ડે એને બંધ કરી દેવી જોઈએ.

રણજી ટ્રોફી ટુર્નામેન્ટ બંધ કરવાની સલાહ કેમ આપી?
બંગાળ રણજી ટ્રોફીના સુકાની મનોજ તિવારીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાનો ગુસ્સો જાહેર કરતાં કહ્યું કે ‘રણજી ટ્રોફી ટુર્નામેન્ટ આવતી સીઝનથી બંધ કરી દેવી જોઈએ. કારણ કે એમાં ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. ભારતની આ આઇકૉનિક ટુર્નામેન્ટને જો બચાવવી હોય તો એમાં ઘણો બધો સુધારો કરવાની જરૂર છે. આ આઇકૉનિક ટુર્નામેન્ટ પોતાની ચમક અને મહત્ત્વ ગુમાવી રહ્યું છે, જેને કારણે હું ઘણો નિરાશ છું.’

રણજી ટ્રોફીની મૅચ સ્ટેડિયમને બદલે કૉલેજના ગ્રાઉન્ડમાં રમાઈ
મનોજ તિવારીનું આ નિવેદન કેરળ સામે ચાલી રહેલી મૅચ દરમ્યાન આવ્યું છે. કેરળ અને બંગાળ વચ્ચેની મૅચ કોઈ સ્ટેડિયમમાં રમાવાને બદલે એક કૉલેજના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે એને લઈને મનોજ તિવારીએ કહ્યું કે ‘અમે સ્ટેડિયમમાં નહીં, પણ કૉલેજના ગ્રાઉન્ડમાં રમી રહ્યા છીએ. આવી ભારતની આઇકૉનિક ટુર્નામેન્ટમાં આ એક ઘણી ખરાબ પરિસ્થિતિ કહેવાય.’

sports news sports cricket news ranji trophy