જય શાહ ICCના યંગેસ્ટ પ્રેસિડન્ટ બનવાના સૌથી પ્રબળ દાવેદાર

22 August, 2024 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નામાંકનની છેલ્લી તારીખ ૨૭ આ‌ૅગસ્ટે ચિત્ર થશે સ્પષ્ટ

જય શાહ

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વર્તમાન પ્રેસિડન્ટ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ ૩૦ નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. ચાર વર્ષમાં બે વાર આ પદ માટે ચૂંટાયેલા ગ્રેગ બાર્કલેએ વધુ એક વાર ઉમેદવારી નોંધાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે જેને કારણે ગ્રેગ બાર્કલે પછી કોણ ICCના નવા અધ્યક્ષ બનશે એની ચર્ચા ચરમસીમા પર છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહનું નામ ICC પ્રેસિડન્ટ પદ માટે સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. જય શાહનો ચૂંટણી લડવાનો નિર્ણય ૨૭ ઑગસ્ટે જાહેર કરવામાં આવી શકે છે જે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. જો જય શાહ ICCના નવા અધ્યક્ષ બનશે તો તેઓ ઇતિહાસ રચશે. માત્ર ૩૫ વર્ષની ઉંમરે જય શાહ ICCના અત્યાર સુધીના સૌથી યુવા અધ્યક્ષ બની શકે છે.

આ પહેલાં ભારતના જગમોહન દાલમિયા (૧૯૯૭-૨૦૦૦), શરદ પવાર (૨૦૧૦-૨૦૧૨), એન. શ્રીનિવાસન (૨૦૧૪-૨૦૧૫) અને શશાંક મનોહર (૨૦૧૫-૨૦૨૦) ICCના પ્રેસિડન્ટ બની ચૂક્યા છે. જય શાહ જો ICCના પ્રેસિડન્ટ બન્યા તો ભારતીય ક્રિકેટ બોર્ડનું સચિવપદ ખાલી થશે જેના માટે કેટલાક ચહેરા હમણાંથી ચર્ચામાં છે. BJPના સંસદસભ્ય અને બોર્ડના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અનુરાગ ઠાકુર, બોર્ડના સંયુક્ત સચિવ દેવજિત સૈકિયા અને કેરલા ક્રિકેટ અસોસિએશનના અધિકારી જયેશ જ્યૉર્જ આ રેસમાં સૌથી આગળ છે. 

jay shah international cricket council board of control for cricket in india cricket news sports sports news