08 July, 2024 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય શાહ અને રોહિત શર્માની ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ગઈ કાલે વિડિયો મેસેજ શૅર કરીને T20 વર્લ્ડ કપ જીત કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા અને રાહુલ દ્રવિડને સમર્પિત કરી હતી. રાજકોટમાં ભારતની T20 વર્લ્ડ ચૅમ્પિયન બનવાની ભવિષ્યવાણી કરનાર જય શાહે ગઈ કાલે વધુ એક ભવિષ્યવાણી કરી હતી. વિડિયો મેસેજમાં જય શાહે કહ્યું હતું કે ‘T20 વર્લ્ડ કપ બાદ હવે નેક્સ્ટ ટાર્ગેટ ચૅમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ છે. મને રોહિત શર્માની કૅપ્ટન્સીમાં પૂરો વિશ્વાસ છે કે અમે આ બન્ને ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બનીશું.’
આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચૅમ્પિયન્સ ટ્રોફી આઠ વર્ષ પછી યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટના કાર્યક્રમનો ડ્રાફ્ટ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને સુપરત કરવામાં આવ્યો છે, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે હજી સુધી એને લીલી ઝંડી આપી નથી. એવું માનવામાં આવે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ વન-ડે એશિયા કપ 2023ની જેમ ‘હાઇબ્રિડ મૉડલ’ લાગુ કરવા માટે આગ્રહ કરશે. આ મૉડલ હેઠળ ભારતે એશિયા કપમાં એની તમામ મૅચ શ્રીલંકામાં પાકિસ્તાન સામેની મૅચ સહિત રમી હતી. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારત સતત બે વાર ફાઇનલમાં હારીને રનર-અપ બન્યું હતું, આવતા વર્ષે ભારતીય ટીમ એમાં પહેલી વાર ચૅમ્પિયન બનવાના ઇરાદા સાથે ઊતરશે.