02 January, 2023 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીમ ઇન્ડિયામાં યો-યો ટેસ્ટનું કમબૅક, ડેક્સા ટેસ્ટનું ડેબ્યુ
૨૦૨૨ના વીતેલા વર્ષમાં ભારતના ઘણા ખેલાડીઓને ઈજા થઈ તેમ જ ૧૦૦ ટકા ફિટ થયા પછી પણ કેટલાક પ્લેયર્સે નવી સિરીઝ કે મૅચ રમવાની હિંમત નહોતી કરી એ સ્થિતિમાં ભારતીય ટીમ હાલમાં ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે અને એના ઉકેલ શોધવા ગઈ કાલે રિવ્યુ મીટિંગ યોજાઈ હતી, જેમાં ખાસ કરીને એવો નિર્ણય લેવાયો કે ખેલાડીઓ માટેની જૂની ને જાણીતી યો-યો ફિટનેસ ટેસ્ટ ફરી શરૂ કરવી અને ડેક્સા (બોન સ્કૅન ટેસ્ટ)ની શરૂઆત કરવી. દરેક પ્લેયર્સ માટેની સિલેક્શન-પ્રક્રિયામાં આ બે ટેસ્ટ ફરજિયાત રહેશે.
મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ખાતેના ક્રિકેટ સેન્ટરમાં યોજાયેલી બીસીસીઆઇની મીટિંગમાં બોર્ડપ્રમુખ રૉજર બિન્ની તથા સેક્રેટરી જય શાહ, હેડ-કોચ રાહુલ દ્રવિડ, એનસીએના ચીફ વીવીએસ લક્ષ્મણ તથા ચીફ સિલેક્ટર ચેતન શર્મા હાજર હતા. આ મીટિંગ નવેમ્બરના ટી૨૦ વર્લ્ડ કપમાંથી ભારતની સેમી ફાઇનલમાં એક્ઝિટ થઈ ત્યાર બાદ તરત યોજાવાની હતી, પરંતુ છેવટે એ હવે યોજવામાં આવી.
ક્રિકેટમાં બૅટર્સે બન્ને ક્રીઝ વચ્ચે વારંવાર દોડવું પડતું હોય છે, ફીલ્ડિંગમાં બૉલ પકડવા દોડવું પડતું હોય છે, વિકેટકીપરે દરેક બૉલ પર સર્તક રહેવું પડે છે અને વારંવાર ડાઇવ મારવી પડે છે, બોલરે રન-અપ પર દોડવું પડતું હોય છે. દરેક ખેલાડીએ આ ક્રિયાઓની વચ્ચે અમુક સેકન્ડના બ્રેકમાંથી પણ પસાર થવું પડે છે. એને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને તાલીમ દરમ્યાન ૧૦-૧૦ સેકન્ડની અવરોધવાળી યો-યો ટેસ્ટ આપવાનું કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ૨૦ મીટરના અંતરમાં કરાયેલી નિશાનીવાળી જગ્યામાં ખેલાડીએ ઝડપથી દોડવું પડે છે. એમાં ૧૬.૫નો પાસિંગ સ્કોર હોય છે. ખેલાડી કેટલો સફળ થાય એના પરથી તેની ફિટનેસનો અંદાજ આવે છે.
ડેક્સા ટેસ્ટમાં દરેક ખેલાડીનાં હાડકાં કેટલાં મજબૂત છે એ નક્કી થશે. આ પરીક્ષણમાં તેની બોન મિનરલ ડેન્સિટી પણ જાણી શકાય છે. તેમને ઈજા થાય ત્યારે તેમનામાંથી બોન મિનરલ ડેન્સિટી ઘટી જાય છે એટલે એમાં કેવી રીતે સુધારો લાવી શકાય એ ડેક્સા ટેસ્ટ પરથી નક્કી થાય છે.
બીસીસીઆઇને રોહિત શર્માની વન-ડે તથા ટેસ્ટ કૅપ્ટન્સી બાબતે કોઈ પ્રકારનો અસંતોષ નથી એ જોતાં રોહિતના આ બન્ને ફૉર્મેટના સુકાન સામે કોઈ ભય નથી. ભારતને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની સારી તક છે. બીજું, આ વર્ષે વન-ડેનો વર્લ્ડ કપ પણ રમાવાનો છે એટલે ગઈ કાલની બીસીસીઆઇની મીટિંગમાં કૅપ્ટન તરીકેના રોહિતના ભાવિ પર ખાસ કોઈ ચર્ચા નહોતી થઈ. હાર્દિક પંડ્યા ટી૨૦ ટીમનો સુકાની છે. જોકે મંગળવારે મુંબઈમાં શ્રીલંકા સામે રમાનારી પ્રથમ ટી૨૦ માટેની તૈયારીમાં વ્યસ્ત હોવાથી તે આ મીટિંગમાં હાજર નહોતો રહી શક્યો.
વર્લ્ડ કપ માટે ૨૦ ખેલાડીઓને શૉર્ટલિસ્ટ કરાયા : ઈજાથી પરેશાન પ્લેયર્સને આઇપીએલ ટાળવા માટે કહેવાશે?
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ગઈ કાલે રિવ્યુ મીટિંગ પછી કહ્યું હતું કે ‘બીસીસીઆઇએ આગામી ઑક્ટોબરમાં ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપ માટે ૨૦ ખેલાડીઓને શૉર્ટલિસ્ટ કર્યા છે અને તેમને રોટેશનમાં રમાડવામાં આવશે.’ હમણાં તો ૨૦ ખેલાડીઓનાં નામ નક્કી કરાયાં છે, પણ જો આગામી કેટલાક મહિનાઓમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં આ લિસ્ટની બહારના કોઈ ખેલાડીનો પર્ફોર્મન્સ અસાધારણ હશે તો સિલેક્ટરો તેને ઓડીઆઇ વર્લ્ડ કપ માટેની ટીમમાં સમાવી શકશે. એક અહેવાલ મુજબ જે ખેલાડીઓ વારંવાર ઈજા પામતા હોય છે તેમને આગામી આઇપીએલમાં ન રમવાની કદાચ સલાહ અપાશે કે જેથી કરીને તેઓ ઑકટોબર-નવેમ્બરના વર્લ્ડ કપ પહેલાં ૧૦૦ ટકા ફિટ હોય.
બીસીસીઆઇની રિવ્યુ મીટિંગના મુખ્ય મુદ્દા
(૧) જે ખેલાડીઓ વારંવાર ઈજાનો શિકાર થતા હોય તેમના પરના વર્કલોડથી તેમના પર શું વિપરીત અસર થાય અને આ વર્ષના ઑક્ટોબરના વન-ડે વર્લ્ડ કપ પહેલાં તેની ફિટનેસ જાળવવા શું પગલાં લેવાં એ વિશે બીસીસીઆઇની ગઈ કાલની મીટિંગમાં ઘણી ચર્ચા થઈ. ખાસ કરીને અમુક ખેલાડીઓ ફિટ જાહેર થયા પછી પણ કેમ ફરી ઈજાનો શિકાર થતા હોય છે એના મૂળ સુધી જવાનું નક્કી થયું.
(૨) ખાસ કરીને ત્રણ ખેલાડીઓ પર વધુ ચર્ચા થઈ. દીપક ચાહર ૨૦૨૨માં પીઠની ઈજાને કારણે ઘણી સિરીઝ નથી રમી શક્યો. તે ૨૦૨૨ની આઇપીએલમાં પણ નહોતો રમી શક્યો. જસપ્રીત બુમરાહ પીઠના સ્ટ્રેસ-ફ્રૅક્ચરની ઈજામાંથી ઘણા મહિના બાદ પણ હજી પૂરો ફિટ નથી થઈ શક્યો. રવીન્દ્ર જાડેજા ઘૂંટણની સર્જરી બાદ હજી રમવા નથી આવી શક્યો.
(૩) આગામી એપ્રિલ-મેની આઇપીએલ પહેલાં તમામ ફ્રૅન્ચાઇઝીઓની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીની બેઠક યોજવી અને એના આધારે વર્લ્ડ કપ માટે સિનિયર મેન્સ ટીમને લગતો રોડ-મૅપ તૈયાર કરવો.
(૪) ઊભરતા યુવાન ખેલાડીઓએ નૅશનલ ટીમ વતી રમવાની શરૂઆત કરતાં પહેલાં મોટી સંખ્યામાં ડોમેસ્ટિક મૅચો રમવી જોઈશે. આમાં પ્લેયર્સે દરેક ફૉર્મેટમાં રમવું પડશે, પોતાની પસંદગીના જ ફૉર્મેટમાં નહીં. અગાઉ આઇપીએલમાં ક્લિક થતા કેટલાક પ્લેયર્સને સીધા નૅશનલ ટીમમાં સ્થાન અપાતું હતું, પણ હવે એવું નહીં કરાય. તેમણે વાઇટ બૉલ ઉપરાંત રેડ બૉલની મૅચો પણ રમવી પડશે.