૧૭ વર્ષે બીસીસીઆઇના હોદ્દેદારો પાકિસ્તાનમાં

05 September, 2023 02:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રમુખ બિન્ની અને ઉપ-પ્રમુખ શુક્લા આજે અને આવતી કાલે લાહોરમાં મૅચ જોશે

પ્રમુખ બિન્ની અને ઉપ-પ્રમુખ શુક્લા

પ્રમુખ બિન્ની અને ઉપ-પ્રમુખ શુક્લા આજે અને આવતી કાલે લાહોરમાં મૅચ જોશે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના ટોચના હોદ્દેદારો પાકિસ્તાનના પ્રવાસે ગયા હોય એવું ગઈ કાલે ૧૭ વર્ષ બાદ પહેલી વાર બન્યું હતું. બોર્ડના પ્રમુખ રોજર બિન્ની અને ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા પાકિસ્તાન બોર્ડના આમંત્રણથી પાકિસ્તાન ગયા છે અને તેઓ આજે તેમ જ આવતી કાલે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાનના ક્રિકેટ મોવડીઓ સાથે બેસીને મૅચ જોશે. આજે લાહોરમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લી લીગ મૅચ છે અને આવતી કાલે  સુપર-ફોરની પહેલી મૅચ પણ લાહોરમાં જ રમાવાની છે.

પાકિસ્તાન બોર્ડના સુપ્રીમો અને મૅનેજમેન્ટ કમિટીના હેડ ઝાકા અશરફે વાઘા બૉર્ડર પર બિન્ની અને શુક્લાનું સ્વાગત કર્યું હતું અને બન્નેને ગદ્દાફી સ્ટેડિયમમાં લઈ ગયા હતા. છેલ્લે ભારતીય ટીમ ૨૦૦૮માં એશિયા કપ રમવા પાકિસ્તાન ગઈ હતી. જોકે એ જ વર્ષમાં મુંબઈમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓ દ્વારા ટેરર અટૅક થયા પછી ભારતે ક્યારેય પોતાની ટીમને કે બોર્ડના ઉચ્ચ અધિકારીને પાકિસ્તાન નથી મોકલ્યા.

ગઈ કાલે પાકિસ્તાન પહોંચ્યા પછી રાજીવ શુક્લાએ ‘ક્રિકેટ અને રાજકારણને ભેગા ન કરવા જોઈએ’ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું, જ્યારે ઝાકા અશરફે બન્ને દેશ વચ્ચે ક્રિકેટ સંબંધિત સારા સંબંધોની આશા વ્યક્ત કરી હતી.

બિન્ની છેલ્લે ૨૦૦૬માં એશિયન ક્રિકેટ કાઉન્સિલના હોદ્દેદાર તરીકે પાકિસ્તાન ગયા હતા.

અમુક મૅચો પાકિસ્તાનમાં અને ભારતની મૅચો દુબઈમાં રાખવા વિશેની પાકિસ્તાનની અપીલ જય શાહે ઠુકરાવી

રવિવારે પાકિસ્તાન બોર્ડના ચીફ ઝાકા અશરફે એશિયન કાઉન્સિલના અધ્યક્ષ જય શાહને ફોન કરીને અપીલ કરી હતી કે શ્રીલંકામાં સર્વત્ર વરસાદ પડી રહ્યો હોવાથી સુપર ફોરથી શરૂ કરીને અમુક મૅચો પાકિસ્તાનમાં રાખવાની અને ભારતની મૅચો દુબઈમાં રાખવાની અપીલ કરી હતી. જોકે જય શાહે વિનમ્રતાથી અપીલ ઠુકરાવતાં કહ્યું હતું કે એસીસી કોલંબોમાંની મૅચો પલ્લેકેલ કે દામ્બુલા કે હમ્બનટોટામાં ખસેડવા વિચારી જ રહી છે.

 ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટલક્ષી દ્વિપક્ષી સંબંધો ફરી શરૂ કરવા કે નહીં એનો નિર્ણય ભારત સરકાર જ લેશે અને અમે તો સરકાર જે કહેશે એને ફૉલો કરીશું. : રાજીવ શુક્લા, બીસીસીઆઇના ઉપ-પ્રમુખ અને રાજ્યસભાના કૉન્ગ્રેસી સંસદસભ્ય

 

board of control for cricket in india roger binny rajeev shukla asia cup cricket news sports news sports