14 August, 2024 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય શાહ
ક્રિકેટની દીવાનગી સ્ટેડિયમથી લઈને દેશની દરેક શેરીમાં જોવા મળે છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ક્રિકેટર્સ પણ કોઈક ને કોઈક રીતે આ રમત સાથે જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરે છે. અહેવાલો અનુસાર કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટર્સે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સચિવ જય શાહનો સંપર્ક કર્યો છે અને ભારતની પોતાની લેજન્ડ્સ લીગ શરૂ કરવાની વાત કરી છે. ક્રિકેટરો ઇચ્છે છે કે આ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જેવી હોય, જેમાં ફ્રૅન્ચાઇઝી આધારિત મોડલ હોય. જો BCCI પોતાની લીગ શરૂ કરે છે તો એ વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ જેવી અન્ય ખાનગી લીગ માટે મોટો ફટકો હશે, કારણ કે દરેક ક્રિકેટર અધિકૃત લીગમાં રમવા માગે છે. જો BCCI આ પ્રોજેક્ટ પર કામ કરશે તો ભારતની નવી પેઢી ફરી એક વાર સચિન તેન્ડુલકર અને વીરેન્દર સેહવાગ જેવા દિગ્ગજોની બૅટિંગને સ્ટેડિયમમાં જઈને જોઈ શકશે.