15 September, 2023 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વન-ડેના વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇન્ડિયાના કરોડો ચાહકોને ભારતીય ક્રિકેટ ટીમ કહો કે ક્રિકેટ બોર્ડ કહો, તેમના તરફથી ભેટ મળી છે. હવે ટીમ ઇન્ડિયાનું સત્તાવાર વૉટ્સઍપ અકાઉન્ટ હશે. આ જાહેરાત બીસીસીઆઇએ ગઈ કાલે કરી હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાહેરાતમાં જણાવ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયા હવેથી વૉટ્સઍપ ચૅનલ પર રહેશે. લેટેસ્ટ અપડેટ્સ તેમ જ એક્સક્લુઝિવ ફોટો માટે તેમ જ પડદા પાછળની રસપ્રદ જાણકારી માટે આ ચૅનલ સાથે કનેક્ટ રહેજો.’
જોકે આ વૉટ્સઍપ ચૅનલ હોવાથી ચાહકો ભારતીય ક્રિકેટર્સ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરી શકે. હા, એટલું છે કે ટીમ ઇન્ડિયા હવે એના ચાહકોની વધુ નજીક જરૂર આવી છે. ભારતીય ક્રિકેટ ટીમનો જે ફૅન આ વૉટ્સઍપ ચૅનલ સાથે જોડાશે તેને મેન ઇન બ્લુને લગતા અપડેટ્સ સીધા પોતાના ફોન પર મળી શકશે. તેમણે ટીમને લગતી જાહેરાતો, ખેલાડીઓની ઈજા કે અન્ય સત્તાવાર સમાચાર માટે કોઈ વેબસાઇટ પર નહીં જવું પડે.