રાહુલ દ્રવિડ પછી ટીમ ઈન્ડિયાના કોચ કોણ? BCCIએ અરજીઓ મંગાવી

14 May, 2024 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BCCI Head Coach Applications: T20 વર્લ્ડ કપ બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હોવાથી ક્રિકેટ બોર્ડે શરુ કરી તૈયારીઓ

રાહુલ દ્રવિડ (તસવીર સૌજન્યઃ એએફપી)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ – બીસીસીઆઈ (Board of Control for Cricket in India - BCCI) એ ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) ના નવા મુખ્ય કોચની શોધ શરૂ કરી દીધી છે. કારણકે ટીમ ઈન્ડિયાના અત્યારના કોચનો કાર્યકાળ પુર્ણ થવાની તૈયારીમાં છે.

હાલમાં પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid) આ જવાબદારી સંભાળી રહ્યો છે અને તેનો કાર્યકાળ આગામી T20 વર્લ્ડ કપ (T20 World Cup 2024) સાથે સમાપ્ત થશે. આ પછી રાહુલ દ્રવિડ હવે આ ભૂમિકામાં આગળ રહેવા માંગતો નથી. તે છેલ્લા અઢી વર્ષથી ટીમ ઈન્ડિયામાં આ જવાબદારી નિભાવી રહ્યો છે. તેના કોચિંગ હેઠળ, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ ૨૦૨૨ની સેમીફાઈનલ, આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ ૨૦૨૩ અને ODI વર્લ્ડ કપની ફાઈનલ ૨૦૨૩ સુધીની સફર કરી. જો કે ભારતીય ટીમ આ ત્રણમાંથી એકપણ ટાઇટલ જીતી શકી નથી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોમવારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના પદ માટે નવી અરજીઓ આમંત્રિત (BCCI Head Coach Applications) કરી છે. BCCI એ સ્પષ્ટ કર્યું છે કે, નવા કોચની નિમણૂક ૨૦૨૭માં યોજાનાર ODI વર્લ્ડ કપ સુધી રહેશે અને આ નવો કાર્યકાળ ૧ જુલાઈ ૨૦૨૪થી શરૂ થશે અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૭ સુધી ચાલશે. આનો અર્થ એ થયો કે નવા કોચના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયા ૨૦૨૪ ચેમ્પિયન્સ ટ્રોફી (2024 Champions Trophy), T20 વર્લ્ડ કપ ૨૦૨૬ (T20 World Cup 2026) અને ૨૦૨૭ ODI વર્લ્ડ કપ (2027 ODI World Cup) જેવી મોટી ટૂર્નામેન્ટ રમશે. આ સમયગાળા દરમિયાન, ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ અને ૨૦૨૭ (ICC Champions Trophy 2025 and 2027) માં જો ભારત બંને ફાઇનલમાં પહોંચે છે તો તેની ફાઇનલ પણ રમાશે.

બીસીસીઆઈએ નવા કોચની નિમણૂક માટે યોગ્યતા નક્કી કરી છે એમા એવું કહેવામાં આવ્યું છે કે, જે કોઈ પણ વ્યક્તિ ઓછામાં ઓછા બે વર્ષ સુધી ટેસ્ટ ટીમનો કોચ રહ્યો હોય અથવા અથવા IPL અથવા કોઈપણ સહયોગી દેશની કોઈપણ ટીમમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો કોચિંગ અનુભવ ફરજિયાત છે. આ સિવાય ઉમેદવારે ઓછામાં ઓછી ૩૦ ટેસ્ટ મેચ અથવા ૫૦ ODI મેચ રમી હોય અને તેની ઉંમર ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૭ મે છે, જેનો અર્થ છે કે છેલ્લી તારીખ IPL ફાઇનલના એક દિવસ પછીની રહેશે. તમને જણાવી દઈએ કે જો આ નિયુક્તિ નિર્ધારિત સમયની અંદર કરવામાં આવે છે, તો ભારતીય ટીમના નવા કોચની પ્રથમ સોંપણી ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી હશે.

indian cricket team board of control for cricket in india team india rahul dravid cricket news sports sports news