16 May, 2024 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેડ કોચ બનવા માટે પ્રબળ દાવેદાર
T20 વર્લ્ડ કપ 2024 બાદ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. નવા હેડ કોચ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે અરજી મગાવી છે. રાહુલ દ્રવિડે ફરી હેડ કોચ બનવા માટે ફરીથી અરજી કરવી પડશે, જેના ચાન્સિસ ઘણા ઓછા છે. એવામાં ચાલો જાણીએ કે ભારતીય ટીમના નેક્સ્ટ હેડ કોચ બનવા માટે કોણ છે પ્રબળ દાવેદાર અને કોની પાસે કેટલો છે અનુભવ?
વીવીએસ લક્ષ્મણ
૪૯ વર્ષના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ પાસે ૧૩૪ ટેસ્ટ અને ૮૬ વન-ડે રમવાનો અનુભવ છે. છેલ્લાં ૩ વર્ષથી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી સંભાળવાની સાથે તે ભારત ‘A’ અને અન્ડર-19 ટીમની પણ દેખરેખ કરી રહ્યો છે.
ગૌતમ ગંભીર
૪૨ વર્ષના ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર પાસે ૫૮ ટેસ્ટ, ૧૪૭ વન-ડે અને ૩૭ T20 ઇન્ટરનૅશનલ રમવાનો અનુભવ છે. IPLમાં મેન્ટર તરીકે લખનઉ સુપર જાયન્ટ્સને સતત બે વર્ષ અને કોલકાતા નાઇટ રાઇડર્સને વર્તમાન સીઝનમાં પ્લેઑફમાં પહોંચાડનાર ગૌતમ ગંભીર પાસે T20 ક્રિકેટનો સારો અનુભવ છે.
સ્ટીફન ફ્લેમિંગ
૫૧ વર્ષના ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ બૅટર સ્ટીફન ફ્લેમિંગ પાસે ૧૧૧ ટેસ્ટ, ૨૮૦ વન-ડે અને પાંચ T20 ઇન્ટરનૅશનલ રમવાનો અનુભવ છે. IPLમાં હેડ કોચ તરીકે તેણે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ચૅમ્પિયન બનાવવામાં મદદ કરી છે. અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ સ્ટીફન ફ્લેમિંગને ત્રણેય ફૉર્મેટના હેડ કોચ બનાવવા માગે છે.
જસ્ટિન લૅન્ગર
ભારતીય હેડ કોચ બનવા માટે આતુર ૫૩ વર્ષના ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનિંગ બૅટર જસ્ટિન લૅન્ગર પાસે ૧૦૫ ટેસ્ટ અને ૮ વન-ડે રમવાનો અનુભવ છે. તે હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સનો હેડ કોચ છે.
ભારતીય ટીમના હેડ કોચ બનવા માટે ક્વૉલિફિકેશન શું જોઈએ?
નવા હેડ કોચનો કાર્યકાળ ૧ જુલાઈ ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૭ સુધીનો રહેશે. સાડાત્રણ વર્ષના આ કાર્યકાળ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે અરજી માટે ફૉર્મની લિન્ક શૅર કરી છે જેમાં ક્રિકેટ ફૅન્સ પણ અરજીઓ કરીને રમૂજ કરી રહ્યા છે. હેડ કોચ બનવા માટે ૬૦ વર્ષથી ઓછી ઉંમરની સાથે અસોસિએટ મેમ્બર, IPL, ઇન્ટરનૅશનલ લીગ, ફર્સ્ટ ક્લાસ કે નૅશનલ ‘A’ ટીમ સાથે ઓછાંમાં ઓછાં ૨-૩ વર્ષનો કોચિંગનો અનુભવ હોવો જોઈએ. એ સિવાય ભારતીય ક્રિકેટ બોર્ડના કોચિંગના લેવલ-૩નું સર્ટિફિકેટ ધરાવતો ઉમેદવાર પણ હેડ કોચ માટે અપ્લાય કરી શકે છે. હેડ કોચ બનવા માટે ૩૦ ટેસ્ટ કે ૫૦ વન-ડે રમવાનો અનુભવ હશે તો પણ અપ્લાય કરી શકાશે. ૨૭ મે સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ હેડ કોચ માટેની અરજી સ્વીકારશે.